🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
સમજણ વિના
સાચાં ખોટાં કારણ બાંધી ગાડું રસ્તા પર અટવાય.
પડછાયા સમ સંશયો પાછળ સવાર સાંજ લંબાય.
અમથા જાત વળચકા વધ્યા સમજણ સાચી ખૂટી,
માંડ બાંધી જ્યાં સ્નેહ ગઠરી- ગાંઠો લગભગ તૂટી.
કાચમઢી કણિકા શંકા ખૂંપતા આંખો ડચકાં ખાય.
સાચાં ખોટાં કારણ બાંધી.....
ગમતા મારગ જાતા પાછું લથબથ ધૂળથી ન્હાવું.
ઉચક નીચક થઈ જાતાં હૈયે ગીત અમથું ના ગાવું.
'હું' ની મમતા માટે કૂૂંડે લીલો છોડ હજુ મૂરઝાય.
સાચાં ખોટાં કારણ બાંધી.....
એક ભરોસો રાખી ગાડું વહી જાય છે સામે પાર,
સોનલ મંજૂષા મૂકતા હીરોલો શું શાં પૈસા ચાર !
સાજું નરવું ગાતું જંતર રેઢું બેસૂરું થઈ જાય.
સાચાં ખોટાં કારણ બાંધી.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀