*ગઝલ - પૂરી થઈ*
➖➖➖➖➖➖➖➖➖
કોઈને મન તો ગરજ પૂરી થઈ.
ને કોઈને મન ફરજ પૂરી થઈ.
માંગણીઓ ક્યાં સહજ પૂરી થઈ ?
શું દુઆ કરતાંય હજ પૂરી થઈ ?
અણસમજને કોણ સમજાવી શકે !
પણ સમજવાથી સમજ પૂરી થઈ.
આ કહાની તો અધૂરી રહી જતી,
પણ ચલાવ્યું જ્યાં મગજ, પૂરી થઈ.
રોટલો બે ટંકનો ખાવા મળ્યો,
તાતની ત્યારે ઉપજ પૂરી થઈ.
એષણા બે ચાર સંતોષાય છે,
કોઈની ક્યાં એક અબજ પૂરી થઈ?
ને સિકંદરને વળી દફનાવવા,
માત્ર જગ્યા બે જ ગજ પૂરી થઈ.
ઈશ્વરે આપી દીધું વણમાંગતા,
ભક્તની ત્યાંથી અરજ પૂરી થઈ.
"દીપ" કાયમ એટલે બળતો રહે,
ઈશના ચરણોની રજ પૂરી થઈ.
➖➖➖➖➖➖➖➖➖➖
*દીપકસિંહ સોલંકી "દીપ"