*તું પુરુષ છે....*
*(અહીં 'એ' ને પુરુષ તરીકે ગણજો)*
ક્યારેક અડધી રાત્રે *'એ'*
ઝબકીને જાગી જાય છે.
ખભા પર ઉંચકેલા અધમણ
બાચકાના ભારથી ખભો અકડાઈ જાય ત્યારે....
ક્યારેક એવુંય લાગે કે,
*'એ'* જાણે ગળા સુધી
ધરતીમાં ધરબાયેલો છે
ને હલનચલની શક્યતા
નહીંવત્ત છે.
...પણ ત્યારે,
ઉપર દેખાતું આકાશ
એની ઉડવાની તાકાત
બની જાય છે...
બીજો ઉપાય પણ તો નથી હોતોને,
એમ તો
પર્ણ પર પાણી પડવાનો અર્થ
પાણી પર પર્ણ પડવાના અર્થ
કરતાં જુદો હોય છે.
પણ એથી શું?
પર્ણ અને પાણીને
એનાથી ફરક પડતો નથી.
*'એ'* અશોક વૃક્ષની જેમ
ટટ્ટાર ઉભો-ઉભો
સતત પ્રખર તાપને
લીલાશમાં બદલવાની
પોતાની ફરજ
બજાવ્યા કરે છે,
થાક્યા વગર,
હાર્યા વગર,
ચુપચાપ....
આ ફરજની
ચોક્કસ તો
કોઈ પરિભાષા પણ નથી.
એ તો કોક અલગારી ફકીરના
પગ નીચે વહી જતી પગદંડી
જેવી છે,
લાંબીને લાંબી જ થતી જાય,
ચાલ્યા કરો કે ઘસડાયા કરો,
એનાથી ફરક પડતો નથી.
*'એ'* ને હજારો વર્ષથી
લસોટાઈ રહેલું
'તું પુરુષ છે' નામનું ચાટણ
ગળથુથીમાં જ આપી દેવામાં આવે છે.
આ ચાટણ
એટલું તો પૌષ્ટિક છે કે
એકવાર એનું સેવન કર્યા પછી
કદી થાક નથી લાગતો,
કદી હામ નથી ઘટતી.
અને પછી *'એ'*
પેલી પગદંડી પર
ચાલ્યા કરે છે..
ચાલ્યા જ કરે છે..
થાક્યા વગર,
હાર્યા વગર,
ચુપચાપ....
🌸🌺🌸