ગઝલ/ વિનોદ ગાંધી
તું કહે તો આભમાંથી આજ ઉતરાવું,સનમ !
લે,તને હું ચાંદનીનું વસ્ત્ર પહેરાવું, સનમ !
જળ વિશે તારો અભરખો કેટલો છે?બોલ તું,
હાથમાં હું સાત દરિયા સામટા લાવું, સનમ!
તું પરીની જેમ અથવા અપ્સરા માફક પ્રગટ
હું ફૂલોના હાથને, લે ઠેઠ ફેલાવું, સનમ !
આ જનમ ઓછો પડે તો આવતા જન્મે મળીશ,
વાત સાદી શી રીતે આ તુજને સમજાવું, સનમ !
મૌનની ભાષા મળી છે,શ્વાસના લય-તાલ છે,
આટલી ઓછી ચીજે દિલ કેમ બહેલાવું સનમ ?
-વિનોદ ગાંધી