તમારા નામ પર કુદરતની એવી મહેર આવે
કે તમને પોખવા આખાને આખા શહેર આવે
જગત આખાએ વરસાવી તે શુભેચ્છાઓ
થઈને એકઠી કાયમ તમારા ઘેર આવે
તમે સફળતા સતત પામતા રહો ને છતા
ના થાય કોઈ ને ઇર્ષ્યા ના વેરઝેર આવે
તમારે ત્યાં ફરી લઈને જન્મ મઝા કરવા
વીતી ગયેલી એ પેઢીઓ ઇકોતેર આવે
તમારો સાથ જે પામે તે થાય ધન્ય અને
તમારું નામ લેવાથી સૌને લીલાલહેર આવે
તમે ભીનાશને પ્રસરાવો રોજ રોજ જે રીતે
નદીઓમાંથી સુકા ખેતરમાં નહેર આવે
તમારા જેવાની સંગતથી ફલશ્રુતિ રૂપે
અમારા જેવાને હોઠે ગઝલના શેર આવે
શુભેચ્છાઓ પાઠવું એવી કે
તમારા જીવનમા સુખ સમૃદ્ધિની શાશ્વત ભરતી આવે
-અલ્પેશ પંડ્યા