*ના કોઈ ઘરે આવ્યું,*
*ને ના કોઇને મળવા ગયા;*
*ટેબલ પર કાજૂ-બદામ ને પીસ્તા,*
*જેમના તેમ જ પડ્યાં રહ્યા.*
*એ જ ટેબલક્લોથ છે,*
*ને હવે ના ચાદરો બદલાય છે;*
*આમ પણ પહેલાંની માફક,*
*ક્યાં હવે કશું યે થાય છે ?*
*ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ,*
*ના કોઇ હવે ખાય છે;*
*બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,*
*ડીશમાં પીરસાય છે.*
*બારણે પ્લાસ્ટિકના તોરણ,*
*ને સ્ટીકરમાં લાભ-શુભ;*
*લક્ષ્મી પગલાં ઉંબરે,*
*ક્યાં કંકુથી હવે દોરાય છે ?*
*એ નવા કપડાની જોડી,*
*ને બૂટ પર પાલીશ કરી;*
*બોણીની આશા લઇને,*
*ક્યાં હવે ઘર ઘર ગણાય છે ?*
*તારામંડળ, ભોંય ચકરી,*
*કોઠી ને રોકેટ;*
*એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,*
*ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે ?*
*સાપની ટીકડીનો એ,*
*શ્વાસમાં જતો કાળો ધૂમાડો;*
*આજે સ્મરણોની શેરીમાં,*
*ચારેકોર પથરાય છે.*
*હા, સમયના બદલાવ સાથે,*
*કેટકેટલું બદલાય છે?*
*તો ય જાણે એવું લાગતું,*
*કે ભીતરે કૈંક ગૂંગળાય છે.*
*આપનો દિવસ શુભ રહે* 💐💐