કિનારા રહી જશે ને જળ વહી જાશે!
સમય સંયોગવશ ખળખળ વહી જાશે!
પ્રથમ આ અક્ષરો લઈ પળ વહી જાશે
પછી પીડા, પછી કાગળ વહી જાશે!
ઊભા રહેશે ઝરુખામાં દીવા ઝગમગ
પ્રતીક્ષારત બધાં અંજળ વહી જાશે !
અવાચક બિંબ પથરાશે અરીસામાં
અને આંખોની સામે છળ વહી જાશે!
મનોરથનું મૂકી દે માનસર, હંસા!
સપાટી સ્થિર રહેશે તળ વહી જાશે !
ભરત ભટ્ટ