ધૂળિયે મારગ.....
કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ? કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ, સુખદુઃખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત, દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,ધૂળિયે મારગ ચાલ !
------------મકરંદ દવે.