*રોજ નૂતન વરસ*
ગઝલ
દીપ ઝળહળ થતાં રોજ નૂતન વરસ,
કાઢશે એ હૃદયમાં રહેલું તમસ.
આ વરસનું તિમિર ભાગતાં ભોર થઈ,
ભીતરે થાય અજવાસ લાગે સરસ.
ચોતરફ સૂર્ય કેવો ઉદિત થઈ રહ્યો,
એક પળ હું ધજા થઈ લહેરાઉ બસ.
ઝાલરો આરતીની દિલે રણઝણે,
લાગણીનો ભર્યો છે છલોછલ કળશ.
આશની આશકા પ્રજવળે આંખમાં,
હેતનાં વાદળાની દિલે છે તરસ.
અશ્રુનાં બિંદુમાં પ્રશ્ન કેવો ઊઠે,
ઈશનાં 'નેહ' માટે હૃદય છે વિવશ.
– વંદના બ્રહ્મભટ્ટ "નેહ"
16/11/'20