*દિવાળી*
*દિવાળી તો દિ'ને વાળીને આવી છે,*
*ને મનનાં મેલને ગાળીને આવી છે.*
*સજ્યા છે સ્નેહનાં તોરણ હૃદયમાં જ્યાં*
*એ ભીતર ક્રોધને બાળીને આવી છે.*
*પુરાતી લાગણીની મસ્ત રંગોળી,*
*નયનમાં સ્વપ્નને ભાળીને આવી છે.*
*જુઓને દીપ પ્રગટ્યા અંતરે ઝગમગ,*
*અરે, જીવનને અજવાળીને આવી છે.*
*કર્યા પૂજન શ્રી નારાયણ ને લક્ષ્મીના,*
*પ્રભુનાં એ ચરણ ખાળીને આવીછે.*
*વધાવે 'નેહ'થી આ પર્વને સઘળાં,*
*અહંનું ઢીમ એ ઢાળીને આવી છે.*
– *વંદના બ્રહ્મભટ્ટ "નેહ"*
*14/11/'20*