શબ્દો વગરની વાત સકલ કહી શકું તને!
તું સામે હોય તો હું ગઝલ કહી શકું તને!
કેવી રીતે હું શુષ્ક સમંદર બની ગયો?
કિસ્સાઓ એક બે હું સજલ કહી શકું તને?
પ્રત્યેક રંગ રૂપે તું પ્રત્યક્ષ હોય છે ;
હું સર્વ રંગ રૂપે અસલ કહી શકું તને !
મારામાં ઓતપ્રોત ને સ્પર્શી શકું નહીં ?
સાક્ષાત્ ઊર્ફે એક તું ,છલ કહી શકું તને ?
મારામાં હોઉં ત્યાંથી હું તારામાં હોઉં છું ;
તારા સુધીનો માર્ગ સફલ કહી શકું તને ?
ભરત ભટ્ટ