🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
સમણાનો માળો
એવું લાગે જાણે ક્ષણનાં તરણાં ગૂંથી બાંધે માળો.
સાંધીને રાખે રાત સવારે ક્યાંય ન મળતો તાળો.
આખું ગામ ગુલાબ થઈને ઝાકળનું પૂછે કારણ,
પગરવની ભીંતોમાં વિસ્તરે સહરા જેવું તારણ.
શબ્દો ધબ્બો નારણને આડો ફૂંફવે ધમ્મર કાળો.
હમણા એવું લાગે જાણે.....
ચિત્ત કાગળીએ આડા અવળા લીટા કરતી પીંછી,
ક્ષણને સજ્જડ ધરબી દીધા ખીલ્લા, કરડે વીંછી.
અનુભવી ના હૈયું ફીંદો સમજો કાં ચર્ચાને ટાળો.
હમણા એવું લાગે જાણે.....
આ વગડાવી ફૂલડું કલરવ ઝીલવા થાય અધીરું.
ભડભડતી લાગણીઓ વચ્ચે છાતી સસલું ભીરું.
ખળખળ ઝરણું હળુ હળુ થઈ મૂળે કરતું ચાળો.
હમણા એવું લાગે જાણે.....
કુંજગલીમાં કોયલ કૂકે આંબે મંજરીઓના મેળે,
રકત ટશિયાં સમણાં માંડે વાત ચલાવે મર્મી કેડે.
બધુ સાલુ શબવત્ લાગે એને છંછેડો કાં બાળો.
હમણા એવું લાગે જાણે.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀