છેલ્લા કેટલાય દિવસોથી કોવીડ સામે જંગ લડી રહેલા એક પરિચિત ડૉક્ટર મિત્રએ ફાઈનલી... આજે હાર સ્વીકારી લીધી. આપણી જેમ તેમણે પણ સપનાઓ જોયા હશે, સંતાનોના ભવિષ્યના. કુટુંબની સુખાકારીના. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપીને તેમને પીડામુક્ત કરવાના. આ જગતની તકલીફો દૂર કરવામાં તેઓ પોતાનું એક નાનકડું પરંતુ Significant યોગદાન આપવા માંગતા હશે.
કદાચ એવું પણ બને કે તેમણે મૃત્યુ સાથે થોડું બાર્ગેનિંગ કર્યું હોય કે ‘યાર, તું મને સાજો કરી દે. હું બીજા કેટલાયને સાજા કરી બતાવીશ.’ But It seems, that didn’t work.
ક્યારેક મૃત્યુ સામે આપણો ‘લાર્જર ધેન લાઈફ પર્પઝ’ માથું નમાવી દે છે. આ દુઃખદ પ્રસંગે મને વિચારતો કરી મૂક્યો છે કે....... ધારો કે આવતીકાલ સવારે ઈશ્વર આપણને ‘શો કોઝ નોટીસ’ આપે કે ‘તમારું મૃત્યુ કેમ ન થવું જોઈએ ?’ તો એનો જવાબ આપણી કોઈ પાસે નથી. આ જગત પર આપણને જીવતા રહેવા દેવા માટેનું કોઈ જ વેલિડ રીઝન આપણી પાસે નથી. અને કદાચ હોય, તો પણ કયા અધિકાર સાથે એ ‘ઉધાર માંગેલા’ શ્વાસ જાળવી રાખવાની માંગણી કરી શકીએ જે શ્વાસ આપણા છે જ નહીં ? આ પૃથ્વી પર અવતરવા માટે આપણે કોઈએ સ્પેશીયલ અરજી કરી નહોતી. અને તેમ છતાં સાવ અનાયાસે જ આપણે અહિયાં છીએ.
આ સમયમાં જ્યારે હજારો લોકો અકાળે અવસાન પામી રહ્યા છે, ત્યારે એ મૃતદેહોના ઢગલા વચ્ચે પણ આપણું જીવતા હોવું એ ફક્ત એક સંયોગ છે. જસ્ટ અ કો-ઈન્સીડન્સ. એને આપણી લાયકાત કે ઉપલબ્ધિ ન સમજવી.
વેન્ટીલેટર પર રહેલો અને ઓક્સીજન માટે વલખા મારતો પેલો જણ કદાચ આપણે પણ હોઈ શકીએ. પરંતુ એ જગ્યા પર આપણે નથી, એ આપણા પર રહેલી ઈશ્વરની મહેરબાની છે. કોઈપણ જાતના કૃત્રિમ સપોર્ટ વગર આપણા ફેફસાંની અંદર હજુ પણ મુક્ત રીતે શ્વાસની અવરજવર થઈ શકે છે, તે ઘટના જ એક ચમત્કાર છે. એક એવું સુખ જે કોઈપણ જાતના પ્રયત્નો કે લાયકાત વગર આપણને દરેક ક્ષણે મળતું રહે છે.
અનાયાસે મળી ગયેલું અદભૂત અને આપણા ગજા બહારનું સુખ એટલે સેરેન્ડીપીટી. એવું કશુંક, જે માંગ્યું નહોતું ને છતાં મળ્યું છે. અણધાર્યું, આશ્ચર્યજનક અને આકસ્મિક પરંતુ સુખદ બન્યું છે. એ ઘટના એટલે સેરેન્ડીપીટી. આપણા દરેકના જીવનમાં રહેલી સૌથી મોટી સેરેન્ડીપીટી એટલે આપણા હજુ પણ ચાલી રહેલા શ્વાસ. અસ્તિત્વથી વધારે ભવ્ય અને સુખદ બીજી કઈ ઘટના હોય શકે ?
So let’s not waste it and make every second count. આ જગતમાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા જે પોતાની ખુરશી પરથી ઉભા થાય ત્યારે પોતાની કોઈ વસ્તુ રહી નથી ગઈ ને ? એ ચેક કરીને જગ્યા છોડશે. બીજા એવા, જે ખુરશીની આસપાસ રહેલો કચરો કે ગંદકી સાફ કરીને જશે. પહેલા પ્રકારના લોકોની મૃત્યુ-નોંધ આવે. બીજા પ્રકારના લોકો પર જીવન-ચરિત્ર લખાય. આ જગત છોડતા પહેલા તેની સુંદરતા વધારવામાં અથવા એટલીસ્ટ જાળવી રાખવામાં આપણે સહારાના રણમાં રહેલી એક રજકણ જેટલું પણ યોગદાન આપી શકીએ, તો પણ આ વિશ્વ માટે એ નોંધપાત્ર હશે.
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે ‘આ પરિસર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે’ જેવી ચેતવણી કામ કરતી હોય, તો હાવ કેન વી ફરગેટ આપણા દરેકની જિંદગી પણ સીસીટીવી દેખરેખ હેઠળ જ છે. How can we not contribute to this wonderful planet-earth? But it all depends કે આપણને સીસીટીવીની હાજરી અને ક્લેરિટીમાં કેટલી શ્રદ્ધા છે.
-ડૉ. નિમિત્ત ઓઝા