રાવણનો ઈમોશનલ પત્ર :
પ્રતિ શ્રી, ભારતના તમામ પ્રજાજનો
મારું નામ રાવણ છે. તમે લંકાપતિ, દશાનન કે લંકેશ જેવાં નામથી પણ મને ઓળખો છો. શિવના અનન્ય ઉપાસક કરતાં રામના શત્રુ તરીકે લોકો મને વધારે ઓળખે છે. એક ભયંકર રાક્ષસ તરીકે મને ચીતરી દેવામાં આવ્યો છે, પરંતુ મારી વ્યથા અને વેદનામાં રસ લેવાની કોઈએ તસ્દી સુધ્ધાં નથી લીધી.
બહેનના અપમાન ખાતર એક ભાઈ તરીકે મેં આખી લંકા દાવ ઉપર લગાડી દીધી એની કોઈએ નોંધ પણ ન લીધી! હું ધારત તો પેલા જટાયુનું મસ્તક જ કાપી નાખત, પરંતુ જટાયુ જીવે અને રામને આ સમાચાર મળે એટલે મેં એની માત્ર પાંખો કાપી તો'ય કોઈએ નોંધ ન લીધી!
જેમ કોઈ દીકરો એની જનેતાને લઈ જાય એમ ભગવતી જાનકીને ખભા ઉપર બેસાડીને હું લઈ ગયો છું અને એ પણ સીધા મહેલમાં નહીં, સંપૂર્ણ સુરક્ષિત રીતે અશોકવાટિકામાં. રામના એક પણ દૂતને જાનહાનિ પહોંચાડવાનો મેં પ્રયત્ન નથી કર્યો. અરે, હું ધારત તો ઘડીના છઠ્ઠા ભાગમાં સેતુબંધના ફુરચા ઉડાડી દેત, પણ મેં સમાધાનની કોઈ વાટાઘાટને ડહોળી નથી. ઊલટાનું જ્યારે વાનરો દિવસે સેતુબંધ બનાવીને થાકી જતા હતા ત્યારે અડધી રાતે વાનરનું રૂપ લઈને હું રામનું નામ લખીને ઘટતા પાણા ગોઠવતો...! કોઈએ નોંધ પણ ન લીધી!
આ ડાલામથ્થો દશ માથાળો લંકેશ ભગવાન રાઘવ સામે આજીવન શત્રુ થવાનું નાટક કરતો રહ્યો...! કોઈએ નોંધ પણ ન લીધી! જે રાતે લક્ષ્મણને મૂર્છા આવી'તી એ રાતે મને પણ ક્યાં નીંદર આવી'તી! મારી આજ્ઞા વગર સુષેણ લખનનો ઇલાજ કરી શકે ભલા! રામ-લખનની જોડી ન તૂટે એટલે મેં જ તો સુષેણને રાઘવ પાસે મોકલ્યો'તો! અને આખી રાત લક્ષ્મણના જીવતદાન માટે મારા ભોળાનાથ સામે અર્હિનશ મંત્રોચ્ચાર કર્યા'તા અને અંતે મારા પુત્ર ઇન્દ્રજિતનું બાકી રહેલું આયુષ્ય લક્ષ્મણજીને શિવાર્પણ કર્યું... કોઈએ નોંધ પણ ન લીધી!
ભગવાન રાઘવેન્દ્ર સરકારના હાથે મારું મોત થાય એ જ તો મારી અભિલાષા, એ જ તો મારો મોક્ષ હતો. યુદ્ધમાં મારા એક-એક બાણને પ્રત્યંચા ઉપર ચડાવીને એને હું સમ આપતો હતો કે ખબરદાર જો મારા રાઘવની આજુબાજુમાં ફરક્યાં છો તો! અને લોકો એમ સમજતા'તા કે હું નિશાન ચૂકી જાતો'તો!
હવે દર વર્ષે દશેરાના દિવસે મારા નામના દરેક શહેરમાં પૂતળાંદહન થાય છે. મને સહેજ પણ રંજ નથી, કારણ કે ઇતિહાસ સફળ રાજાઓના જ લખાય છે. નિષ્ફળતા કે પ્રયત્નોના ઇતિહાસ નથી લખાતા. રાઘવના શત્રુ તરીકે આપ સૌ મારાં પૂતળાં બાળો એ યથાયોગ્ય છે, પરંતુ મારું હૃદય જીવનના છેલ્લા શ્વાસ સુધી રાઘવનું નામ રટતું હતું. એનું પ્રમાણ એ કે શ્રીરામે પણ મારી નાભિમાં જ બાણ માર્યું, કારણ મારા હૃદયમાં તો ઈ ખુદ બેઠા'તા અને રામ રામને કઈ રીતે મારે?
પૂતળાં બાળવાં સિવાય બીજું તમે કરી પણ શું શકો છો! બાળો પણ એટલું યાદ રાખજો કે, માત્ર પૂતળાં બાળવાથી આ દેશમાંથી ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ લોકો દૂર નથી થવાના. 'કોઈ આવીને આપણું કલ્યાણ કરે' એવી આશા રાખનાર પ્રજાની પેઢીઓ નિર્માલ્ય પાકે છે.
અને અંતિમ વાત, મેં જેટલી શત્રુ તરીકે ખાનદાની દાખવી છે એટલી તમે મિત્ર તરીકે તો દાખવી જુઓ. આ રાવણ તમારો ગુલામ બની જશે! ને હા, મને સાચી રીતે ઓળખશો પછી મારું પૂતળું નહીં સળગાવી શકો, પરંતુ પશ્ચાત્તાપની આગમાં તમારે બળવું પડશે!
આ વાત તમારા સુધી આજ પહેલી વાર પહોંચાડું છું. જોકે, તો'ય ઊંડે ઊંડે શંકા છે કે આ પત્રની પણ કોઈ નોંધ નહીં જ લ્યે! નસીબ તમારાં!