ક્યારે શું બોલવું અને શું ન બોલવું એની ખબર ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય છે. કહેવાય છે કે આપણાં શબ્દો જ આપણું વ્યક્તિત્વ રજુ કરે છે. આપણાં શબ્દો આપણાં સંસ્કારોની ગવાહી પૂરે છે. માટે કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.બીજું કે વાતચીત કરતી વખતે સામેવાળી વ્યક્તિને સાંભળવાની પણ તૈયારી રાખવી. એક સારો શ્રોતા જ સારો વક્તા બની શકે છે.
આપણી વાત અન્ય વ્યક્તિઓ સાંભળે અને અમલમાં મુકી શકે તેવી હોવી જોઈએ. પરંતુ આ ત્યારે જ શકય બને જ્યારે આપણી વાતના મુદ્દાઓ અસરકારક હોય.
આપણું જ્ઞાન અને સંસ્કારો તેમજ વ્યક્તિત્વ દર્શાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે આપણો અન્ય લોકો સાથેનો સંવાદ.
કહેવાય છે કે ન બોલવામાં નવ ગુણ. પણ જ્યારે આમ કરવા જઈએ ને ત્યારે અજાણતા જ કોઈક ખોટી વાતને સમર્થન અપાઈ જાય છે. ઘણી વાર એવી બાબતો બનતી હોય છે કે આપણું મૌન ઘણાં અનર્થ કરી થાય છે. એટલે જયાં બોલવું પડે ત્યાં તો બોલી જ દેવું. ક્યારેક આપણે સંબંધો બગડે નહીં એ વિચારે ચુપ રહીએ છીએ, પણ અજાણતાં જ પોતાની જાત સાથે અન્યાય કરી બેસીએ છીએ અને સામેવાળી વ્યક્તિને ખોટું કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.
જયાં સુધી આપણે બોલીશુ નહીં ત્યાં સુધી આપણી લાગણીઓ કે વિચારો અન્ય સુધી પહોંચાડી શકીશું નહીં. એટલે જ કહ્યું છે કે બોલે એનાં બોર વેચાય. જે વ્યક્તિ મોં પર બોલી દેતી હોય છે તેની સાથે મોટા ભાગે કોઈ વ્યક્તિ માથાકૂટ કરતી નથી. મારા મતે પરિસ્થિતી મુજબ જો બોલવું જ યોગ્ય હોય તો ચુપ રહેવાનો કોઈ અર્થ નથી. વાતને મનમાં જ રાખીને ઘૂંટાવા કરતાં એને રજુ કરી દેવી સારી.