Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

0 ભરત ભટ્ટ 0

એકાંતમાં છો સાથે, મેળામાં એકલા છો!
એવી રીતે તમે આ દુનિયામાં એકલા છો!

ધારો કે, પંખી છો તો એવુંય ધારી લો ને !
પરભવની કોઈ ડાળે પીડામાં એકલાં છો!

તરણાંથી આમ હલકાં, મેરુથી આમ ભારે
પોતાની સાથે લેખાજોખામાં એકલા છો!

કાંટા ને છાપ જેવા સાપેક્ષ છો તમે પણ
છો બેઉ બાજુ કિન્તુ સિક્કામાં એકલા છો!

ક્યારેક એવું લાગે મનમાં છે હલદીઘાટી
ક્યારેક એવું લાગે કિલ્લામાં એકલા છો!

તમને સીતા થવાનું સૌભાગ્ય સાંપડ્યું છે;
રાવણ છે આજુબાજુ લંકામાં એકલા છો!

ફાટી,તૂટી શકો પણ ફીટી અહીં શકો નહીં
આ તાર તાર થઈ ને તાકામાં એકલાં છો !

આંધી-તૂફાન વચ્ચે સોંસરવા સળગી શકશો ?
આ અંધકાર સામે દીવામાં એકલા છો !

જો બહાર આવશો તો પથ્થર બની જવાશે
છો ફ્રેમમાં પરંતુ ફોટામાં એકલાં છો !

થોડાક લોક આગળ , થોડાક લોક પાછળ;
સંયોગ છે કે વચ્ચે રસ્તામાં એકલા છો!

જળમાં કમળની સાથે કાદવમાં જલકમલવત્
સરવરમાં જળના ટીપેટીપાંમાં એકલા છો !

કઈ બાજુ ક્યારે પગલાં આગળ વધીને જાશે
શ્રધ્ધામાં એકલાં છો , શંકામાં એકલા છો !

મણકાની એક્ મજા છે પ્રોવાઈને રહો તો;
જો મેર થઈ જશો તો માળામાં એકલાં છો !

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111591844
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now