પત્રલેખન સ્પર્ધા.
પ્રિયજનને પ્રેમપત્ર.
➖➖➖➖➖➖
પુત્રવધૂને પત્ર
વહાલી મિલી.
પત્ર જોઈને નવાઈ લાગીને? મેસેજના જમાનામાં પત્ર! પત્ર લખવાનું પ્રયોજન એટલું જ કે લખાણ કોઇક કારણસર મોબાઈલમાંથી ડીલીટ થઈ શકે પરંતુ પત્રનું લખાણ ક્યારેય ડીલીટ ન થાય.સચવાયેલું રહે એટલે જ પત્ર લખું છું.
આજ સુધી અમારું ઘર હવે આપણું થશે.સાસુ-વહુના સંબંધો ખૂબ જ નાજુક હોય.તારા મનમાં મારા વિશે ગડમથલ ચાલતી હશે.કેવો હશે મારો સ્વભાવ! મારા સ્વભાવ અંગે તો જેટલા મોં એટલી વાત.એટલે જ હું પત્ર દ્વારા તારી સાથે સંવાદ સાધવાનો અને આપણાં સંબંધો સરળ રહે એ માટે પ્રયત્ન કરી રહી છું.
તું તારી જે કોઈ પ્રવૃતિ કરતી હોય તે લગ્ન પછી ચાલુ રાખજે.એ માટે થોડુંઘણું એડજેસ્ટ કરવાની અમારી તૈયારી છે.તું મુક્તપણે દરેક બાબતની મારી સાથે ચર્ચા કરજે.કોઈ પ્રશ્ર્ન ઉદ્ભવે તો આપણે સાથે મળીને ઉકેલ લાવીશું.આમ જ કરવાનું,આવા જ કપડાં પહેરવાનાં એવાં કોઈ જ બંધન નથી.
બસ, આજે તો આટલું જ.અવારનવાર પત્ર લખતી રહીશ.આશા રાખું,જેવા આવડે એવો તું મને પત્ર લખશે તો મને આનંદ થશે, પછી તો તારી મરજી.
ખાસ લખવાનું," તારી મા નું સ્થાન તો હું ન લઈ શકું, માં તો માં જ હોય એનું સ્થાન કોઈથી ન જ લેવાય.પરંતુ મારામાં તને 'મા' દેખાય એવા મારા પ્રયત્નો રહેશે હંમેશા.ભગવાનને એટલી જ પ્રાર્થના કે મને આમ કરવામાં પ્રભુનો સહયોગ મળે.
દીકરીની વિદાયે સુનું થયેલું આંગણ તારા પગલે મહેકી ઉઠે એની રાહ જોઈ રહી છું.
લિ.
હંમેશા તારું ક્ષેમકુશળ ઈચ્છતી તારી સાસુનાં આશીર્વાદ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
" સુનિકેત",દેસરા રોડ,બિલીમોરા.
તા.ગણદેવી, જિલ્લા- નવસારી.
પીનકોડ:- ૩૯૬૩૨૧
મોબાઈલ નંબર:- ૯૪૨૬૩૨૩૪૬૯