નસીબ પતંગિયાની પાંખે જઇ બેઠું
પકડવા તેની પાછળ પાછળ દોડું
હથેળીમાં રંગોની ઝલક જોઈને
ખુશી ની પળો જીલી જીવન જીવાઇ ગયુ.
અભાવો ના ધણ છાતી માં છુંદાય
શ્વાસ માં તેના કૂદકા સંભળાય
તોય સ્વભાવમાં ભાવ રાખીને
હસતા હસતા જીવન જીવાઇ ગયું.
તળેટી સમ જીવન જીવું છું
શિખરો શિર પર ધરું છું
કદી ના વર્તાયો ભાર નો થાક
ઊંચું માથું રાખીને જીવન જીવાઇ ગયું.
અડીખમ વૃક્ષની જેમ વર્તુ છું
પાનખર વસંતના આવાગમન વચ્ચે
અસ્તિત્વ મારું હંફાયેલુ રહ્યું
તોય ટટ્ટાર રહીને જીવન જીવાઇ ગયું
- ઉર્વશી એચ ત્રિવેદી