રહ્યાં ના હેતનાં પાણી , ગગન ખાલી થવાનાં છે,
વરાળો થાય ભરચક જ્યાં જતન ખાલી થવાનાં છે.
ગભારો લાગશે ઉપવન ને પુષ્પો પણ મરી જાશે,
સુવાસિત પાંખ બનનારા પવન ખાલી થવાનાં છે.
ભગત મંદિર કે મસ્જિદમાં બસ તાળીઓ માપે,
પૂજનમાં પ્રાર્થના, ભક્તિ, ભજન ખાલી થવાનાં છે.
રણકતાં શબ્દની સાંકળ સજામાં મૌન ફરમાવે,
ગુન્હાને 'આહ' કહેનારા વદન ખાલી થવાનાં છે.
ઘણાં ફૂલોને ક્યારીમાં ગટરની ગંધ આવી તો,
ગયાં છે શોધવા અત્તર , ચમન ખાલી થવાનાં છે.
બધીયે વારતાનાં અંતમાં દુશ્મન નથી મરતાં,
હ્રદયમાં 'હાશ' રેડો ત્યાં જલન ખાલી થવાનાં છે.
ધરા પર સાંજ નાં પગલાં રહ્યા ક્યાં રાતનાં આભે,
સૂરજને પણ ક્ષિતિજોનાં ચયન ખાલી થવાનાં છે.
નથી કૈં પાઘડી સોંપી , વળી કબજો જમાવો શું?
બધું હોવાપણું છોડી સદન ખાલી થવાનાં છે.
હતાં ક્યાં લાડ જીવનમાં અજાણ્યા મોતનાં ડરથી,
મરી લો જ્યાં મરો જલદી કફન ખાલી થવાનાં છે.
પછી તો લાકડાં ખૂટે , અગન જળ આંખમાં ઝૂલે,
બનાવો પંડમાં કુંડા હવન ખાલી થવાનાં છે.
અમીરી શોખ ને પૈસો , રઈસી હાલ ને મોભો,
વધે બસ રાખ મુઠ્ઠીભર વજન ખાલી થવાનાં છે.
સહારો આંસુઓ બન્યાં કદી' જો આંસુઓ જોયાં,
હજારો સ્મિતની વચ્ચે નયન ખાલી થવાનાં છે.
કસીને સત્યની ઝોળી કલમ ભાથું ભરે છે જ્યાં,
કવિત્વ સિદ્ધ કરનારા રતન ખાલી થવાનાં છે.
ભલે દસ-બાર શબ્દોથી ગઝલ સુંદર મઠારી પણ-,
ફરી બારાખડી પરથી મનન ખાલી થવાનાં છે.
કલમ આકાર ઈશ્વરનો , ખુદા ધોળો બને કાગળ,
કહીને 'હાર્દ' શબ્દો પણ સઘન ખાલી થવાનાં છે.
॰ 'હાર્દ' રામાનુજ ॰