નમસ્કાર મિત્રો,
આજથી પ્રારંભ થયેલ બુક રિવ્યૂ સિરીઝ 'પુસ્તક પ્રવાસ'માં આપણે કરીશું એક એવા પુસ્તકની સફર જે આપણા જીવનમાં થતાં બનાવોને ક્યાંકને ક્યાંક સ્પર્શે છે.
પુસ્તક:- શો મસ્ટ ગો ઓન
લેખક:- શ્રી શાહબુદ્દીન રાઠોડ
પ્રકાશક:- ઈમેજ પબ્લિકેશન
પૃષ્ઠ સંખ્યા:- 145
📚 સુપ્રસિદ્ધ સાહિત્યકાર તેમજ હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા લખવામાં આવેલ પુસ્તક 'શો મસ્ટ ગો ઓન' વિશે વાત કરીએ તો આ પુસ્તક શ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા લખાયેલા, કહેવાયેલા તેમજ તેમની કલમે અખબારોની કોલમમાં પણ જોવા મળેલા કુલ 35 લેખોનો સમાવેશ કરતું પુસ્તક છે. આ પુસ્તકના દરેક લેખો આપણા જીવન સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલા છે. પુસ્તકની પ્રસ્તાવના શ્રી સુરેશ દલાલ દ્વારા લખવામાં આવી છે. આ પુસ્તકમાં અનેક પ્રખ્યાત લોકોના અમુક પ્રસંગો સાથેની વાત પણ કરવામાં આવી છે. ચાર્લી ચેપ્લીનથી માંડીને કબીર સુધીના ઘણાં લોકોના જીવન પ્રસંગો દર્શાવ્યા છે. આપેલા 35 લેખ વાંચતી વખતે આપણા મુખ પરના હાવભાવ પણ બદલાય ખરાં, ક્યારેક કરુણ ભાવ તો ક્યારેક હૃદયમાંથી ઉત્પન્ન થયેલું હાસ્ય તરત જ હોઠને સ્પર્શી જાય છે તો વળી ક્યારેક ખડખડાટ હસવું પણ આવે. વાત કરીએ આ પુસ્તકના ટાઈટલ વિશે તો,
રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન શ્રી શાહબુદ્દીન રાઠોડને પણ કલાકાર તરીકેનું આમંત્રણ મળ્યું હતું. તેમનો વારો આવ્યો ત્યારે તેઓએ ખૂબ જ ઉમદા રજૂઆત કરી, પણ ત્યારે તેમની વાતોમાં મા - દીકરાના અનેક પ્રસંગોની વાત તેમના હોઠ પર આવી જતી હતી. શિવાજી - જીજાબાઈ જેવા અનેક પ્રસંગોની વાત તેઓએ કાર્યક્રમ દરમિયાન કરી હતી. કાર્યક્રમના અંતે તેમના અંગત મિત્રોએ તેમને આ વિશેનું કારણ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું, "આજ સવારે જ મારા બા ગુજરી ગયા. શાબા, હવે સૂઈ જા. કેટલી દોડધામ કરીશ.. આવું કહેનાર હવે કોઈ નથી."
તેઓ રિક્ષામાં બેસતાં હતાં ત્યારે જ એક વાક્ય બોલ્યા, "શો મસ્ટ ગો ઓન." 📚❤
શો મસ્ટ ગો ઓન એટલે અચૂક વાંચવા જેવું પુસ્તક.
જો આપને આ રિવ્યૂ ગમ્યું હોય તો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી 📚✍😊
Reviewed by KISHAN DAVDA ✍📚🤗
#bookreview
#gujaratiliterature