સૌથી પહેલાં તો એવું કામ જ ન કરીએ કે પસ્તાવો થાય. જો અજાણતાં જ થઈ જાય તો પછી પસ્તાવો તો કરીએ જ પણ પછી એ જ કામ ફરીથી ન થાય તેનું ધ્યાન રાખીએ. જેને સમયની કિંમત નથી સૌથી વધારે એણે પસ્તાવો કરવો પડે છે. જેણે સમય સાચવી લીધો એનું બધું જ કામ પાર પડે છે.
આપણે ક્યાંક જવું હોય અને ખબર છે કે ટ્રેનનો સમય કયો છે તે છતાં પણ મોડા નીકળીએ અને ટ્રેન ચૂકી જઈએ ત્યારે પસ્તાવો થાય છે કે આનાં કરતાં થોડા વહેલા નીકળ્યા હોત તો સારું થતે.
આખું વર્ષ ચોપડી ખોલી જ ન હોય અને પરીક્ષામાં પરિણામ નબળું આવે ત્યારે પસ્તાવો થાય છે. આખી જિંદગી શરીર નિરોગી રાખવાનાં કોઈ જ પ્રયત્નો કર્યા ન હોય અને મોટી ઉંમરે જ્યારે બધાં રોગો આપણાં શરીરને રહેઠાણ સમજી રહેવા આવે ત્યારે પસ્તાવો થાય છે. જ્યારે કમાતા હોઈએ ત્યારે માત્ર ઉડાઉ બનીને પૈસા જ ઉડાવતાં રહીએ અને ઘડપણમાં જ્યારે બીજા આગળ હાથ લંબાવવાનો થાય ત્યારે પસ્તાવો થાય છે.
દરેક બાબતમાં એકદમ નચિંત બની જઈએ અને કોઈની યોગ્ય સલાહને પણ જ્યારે અવગણીએ ત્યારે પાછળથી પસ્તાવો અનુભવવો પડે છે. બધી બાબતો આમ પણ આપણાં હાથમાં હોતી નથી, પરંતુ શકય એટલી બાબતોમાં પસ્તાવો ન થાય એવી રીતે કામ તો કરી જ શકીએ છીએ. એ સંપૂર્ણપણે આપણાં હાથમાં છે.
ઘણી વખત વ્યક્તિને પોતાની નોકરી ગુમાવ્યા પછી પસ્તાવો થાય છે કે મેં આવું ન કર્યું હોત તો આજે મારી નોકરી ચાલુ હોત. પસ્તાવો થયા પછી વધારે સમય અફસોસ કરવાને બદલે થયેલ ભૂલને કેવી રીતે સુધારી શકાય તેનાં વિશે વિચારવું જોઈએ. જો કોઈની લાગણીને ઠેસ પહોંચાડ્યા પછી પસ્તાવો થયો હોય તો વધારે મોડું કર્યા વગર તરત જ માફી માંગી લેવી. તમને બધાને ખ્યાલ હશે જ કે ખ્રિસ્તીઓમાં ચર્ચમાં એવી વ્યવસ્થા છે કે જો તમે કોઈ ભૂલ કરી હોય અને તેનો પસ્તાવો થતો હોય પરંતુ કોઈ સાથે એની ચર્ચા ન કરી શકો તો ચર્ચમાં જઈને ત્યાં ફાળવેલ જગ્યાએ જઈને તમે તમારી ભૂલની કબૂલાત કરી શકો છો.
ટૂંકમાં, જો કોઈ વાતનો પસ્તાવો થયો હોય અને કોઈની સામે એની કબૂલાત કરી શકવાની હિંમત ન હોય તો ભગવાન પાસે માફી માંગી લેવી.
#પસ્તાવો