પ્રભુ...
પ્રભુએ મારી સાથે કંઈક આ રીતે સંબંધ નિભાવ્યો છે.
મેં ક્યારેય મૂર્તિમાં પ્રભુને શોધ્યા નથી અને એય ક્યારેય પથ્થરમાં વસ્યા નથી.
મેં ક્યારેય મંદિરના પગથિયાં ઘસ્યા નથી અને એય 'મન'થી બહાર ક્યાંય ગયા નથી.
હું એમની શરણમાં કદી ઝૂક્યો નથી અને એમણેય ક્યારેય મને ઝૂકવા દીધો નથી.
મેં ક્યારેય ફૂલ અર્પણ કર્યા નથી અને એમણેય શ્રદ્ધાથી વધુ કંઈ માગ્યું નથી.
મેં ક્યારેય માનતા માની નથી અને એમણેય ક્યારે મારી ઈચ્છા અધૂરી રાખી નથી.
મેં ક્યારેય તેમને રીઝવવા કોઈ લાલચ આપી નથી અને એય ક્યારે ભોળવાયા નથી.
મેં ક્યારેય તેમની સામે હાથ જોડ્યા નથી અને એમણેય મારો હાથ કોઈની સામે ફેલાવા દીધો નથી.
મેં ક્યારેય પ્રભુને જોયા નથી અને એમણેય મારો સાથ કોઈ દિવસ છોડ્યો નથી.
મેં ક્યારેય પ્રભુથી મોટા કોઈ જોયા નથી અને એમણેય કદી મોટાઈ દેખાડી નથી.
મેં ક્યારેય તેમના પર વિશ્વાસ કરવાનું છોડ્યું નથી અને એમણેય કદી વિશ્વાસઘાત કર્યો નથી.
-હીના પટેલ