એક રૂઢિચુસ્ત ઘર અને બીજું એક ગરીબનું ઘર - આ બે ઘરની દિકરી અને વહુથી વધારે અપશુકનિયાળ આપણાં સમાજમાં કોઈ નથી.
ઘરમાં થતી કોઈ પણ દુર્ઘટના કે અશક્ય એવી બાબતો માટે હંમેશા આ બે અથવા તો બેમાંથી કોઈ એક જવાબદાર હોય છે, સાચું કહું તો એમને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે.
આજનાં આ કહેવાતા આધુનિક યુગમાં પણ હજુ આ બાબત જીવંત છે. દુનિયા એકવીસમી સદીમાં ભલે પહોંચી હોય પરંતુ હજુ પણ ઘરની બહેન, વહુ અને દિકરીની હાલતમાં બહુ મોટો ફરક પડ્યો નથી. ભલે કહેવાય કે 21મી સદી એ સ્ત્રીઓની સદી છે પણ હકીકત આનાથી અલગ જ છે. નોકરી માટે બહાર જતી સ્ત્રીઓની સંખ્યા ભલે વધી હોય તો પણ એની ગણતરી તો હજી અપશુકનિયાળ તરીકે જ થાય છે.
સ્વાભાવિક રીતે જ નોકરી કરતી સ્ત્રી માટે ઘરનાં બધા રિવાજો પાળવા કે બધા પ્રસંગોમાં હાજરી આપવી શકય બનતી નથી. આવા સંજોગોમાં પણ જો કોઈક અઘટિત ઘટના બની જાય તો ફરીથી દોષનો ટોપલો એ અપશુકનિયાળ સ્ત્રીને માથે નાખવામાં આવે છે, તેં આમ જ પાળ્યું એટલે જ આ દુર્ઘટના થઈ. પછી તો દરેક દુર્ઘટના માટે એને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. અપશુકનિયાળનું લેબલ એનાં માથે લાગી જાય છે.
જો 21મી સદી ખરેખર જ સ્ત્રીઓની હોય અને જો સ્ત્રીઓની શક્તિ અને સુરક્ષામાં વધારો થયો હોય તો પછી બળાત્કારના કિસ્સાઓ બંધ થવાને બદલે વધી કેમ ગયા?
આજે પણ એક સ્ત્રીને અપશુકનિયાળ અને ઉતરતી કક્ષાની જ ગણવામાં આવે છે. હજુ પણ સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ બહુ મોટો ફેર પડ્યો નથી. જે સ્ત્રીઓ ઘરની બહાર નોકરી માટે જાય છે તેમાંની મોટા ભાગની તો ઘરને આર્થિક મદદ મળી રહે એટલા માટે જ જાય છે, છતાં પણ ઘરે તો એવું જ માનવામાં આવે છે જાણે કે એ બહાર જઈને હરી ફરીને આવી છે. ઘરે જઈને પણ ઘરનાં કામો એની રાહ જોતા જ હોય છે.
ભગવાને બનાવેલો કોઈ પણ જીવ કેવી રીતે અપશુકનિયાળ હોઈ શકે? ભગવાને સર્જેલ કોઈ ઘડી કેવી રીતે અપશુકનિયાળ હોઈ શકે? આ મુહૂર્ત સારું છે પેલું ખરાબ છે. ખરાબ મુહૂર્તમાં કામ કરીશું તો એ અપશુકનિયાળ સાબિત થશે. આ બધી માન્યતાઓમાંથી બહાર નહીં આવીશું ત્યાં સુધી ક્યારેય પ્રગતિ નથી કરી શકવાના.
આપણું જ્યોતિષ શાસ્ત્ર કે ખગોળ શાસ્ત્ર ખોટું છે એવું નથી, એ સાચું જ છે. ખોટું તો એ છે કે એમને શુકન અપશુકન સાથે જોડી દેવામાં આવ્યાં છે.
અંતે, આ લેખ કોઈની લાગણી દુભવવા માટે નથી, તેથી કોઈએ એને વ્યક્તિગત રીતે લેવો નહીં. જો કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું.🙏
#અપશુકનિયાળ