વાણીની મીઠાશ
"એની વાણીમાં કેટલી મીઠાશ છે, નહીં?"
"હા, એમ જ થયા કરે કે, તેઓ બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ."
અમે દેરાણી જેઠાણી બંને લગ્ન પછીના દસેક વર્ષ પછી, બાજુના ગામમાં યોજાયેલ ભાગવત સપ્તાહ સાંભળવા ગયા હતા. ત્યાંથી આવીને અમે બંને જે કંઈ સાંભળ્યું હતું એના પર સંવાદ કરતા હતા. ત્યાં જ જેમ શાંતિથી બેઠેલી બે કાબર વચ્ચે કાગડો આવી જાય એમ અમારી વચ્ચે અમારા પાડોશી કાળીકાકી આવી પહોંચ્યા.
"હુ હવે... આવુ તે કાંય ભાગવત હોતા હયસે? નય કાંય હલવાનુ ક નય સલવાનું. અન દાત તો હસોડા નો કઢાવે." કાળીકાકીએ આઘેરાકથી અમારો થોડો સંવાદ સાંભળ્યો હશે એટલે આવતાવેંત જ પોતાનો અંગત વિચાર મુકી દીધો.
કાળીકાકી એની આદતને લીધે આખા ગામમાં ''તાજા સમાચાર'' તરીકે જાણીતા. ગામમાં કંઈ પણ સમાચાર ફેલાવવા હોય તો એને એકને ખબર આપી દો એટલે અર્ધા કલાકમાં વાયુવેગે આખા ગામમાં પ્રસરી જાય.
કાળીકાકી સાથે વિવાદ વધારવો એટલે "ભસતા કૂતરા ન કરડે" એ કહેવતને ઉલટાવીને "ભસતા કૂતરા કરડ્યા વગર રહે નહીં" એ જ બરાબર ફીટ બેસે. એ કારણથી એમની વાત સાથે સહમત નથી એવું બતાવવા માટે, હું મારા ઘર તરફ રવાના થઈ.
કાળીકાકીએ તો ધર્મના નામે ઢોંગ રચતા અને આપણા મહાન ગ્રંથ એવા શ્રીમદ્ ભાગવતને હાસ્ય કથા કરી નાખનારાઓને જ કદાચ સાંભળ્યા હશે. અને એટલે જ, એમને આ મૂળભાગવત સંભળાવાનરાની મીઠી વાણીની મધુરતા કહો કે મધુર વાણીની મીઠાશ... એ કેવી રીતે દેખાય?
જે વ્યક્તિને હંમેશા કર્કશતા જ પસંદ પડી હોય એને મીઠાશ પચે નહીં. (પચાવવાની કોશિશ કરે તો કદાચ ડાયાબિટીસ થયા વગર રહે નહીં.) વાણીમાં જેટલી મીઠાશ હશે એટલું જ જીવન મધુરૂં થશે.
- તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)
14/08/2020