(આવતી રક્ષાબંધન પર એક ઊર્મિ ગીત પ્રસ્તુત કરું છું)
"આંસુ આવે તો રડી લેજો,બસ મન હળવું કરી લેજો"
(કોઈ બહેનને રડાવવાની મારી ઈચ્છા નથી છતાં પણ હૈયે આવ્યો ભાવ લખતા મન મારુ રોકાયું નહીં. કોઈ બહેનનો વીર આવી રીતે સંદેશના મોકલે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું)
દેશના સીમાડે મારુ પાળિયું.(૨)
વિરલો તારો જુવે જાજેરી વાટ રે,મારી બેનને કહેજો,
બાંધી તિરંગે રાખડી મોકલે.(૨) દેશના.....
મેતો દેશને કાજે બલિદાન આપ્યું,(૨)
આપ્યું કાંઈ રક્ત ભારતી માતને મારી બેનને કહેજો.
બાંધી તિરંગે રાખડી મોકલે...(૨)દેશના.....
મારે હતા પરણાવવાને તને ઓરતા,(૨)
રહી ગઈ કાંઈ હૈયા કેરી ખોટ રે મારી બેનને કહેજો.
બાંધી તિરંગે રાખડી મોકલે(૨) દેશના....
માઁ તો મારી ભોળું પારેવડું,(૨)
બાપુ મારા રામ તણો અવતાર રે,મારી બેનને કહેજો.
બાંધી તિરંગે રાખડી મોકલે(૨) દેશના.....
આજ મુને મારુ એ ફળિયું સાંભરે(૨)
સાંભરે કાંઈ બેની તારો સંગાથ રે,મારી બેનને કહેજો.
બાંધી તિરંગે રાખડી મોકલે(૨) દેશના......
જોને ભટકે બેની મારો આતમીયો.(૨)
જાગે કાંઈ મળવાની તને આશ રે,મારી બેનને કહેજો.
બાંધી તિરંગે રાખડી મોકલે(૨)દેશના....
દિવસ રક્ષાબંધ કેરો આવ્યો(૨)
કરજે તારા વિરને બેની માફ રે,મારી બેનને કહેજો.
બાંધી તિરંગે રાખડી મોકલે.(૨)
દેશના સીમાડે મારુ પાળિયું...(૨)
વિરલો તારો જુવે જાજેરી વાટ રે,મારી બેનને કહેજો.
બાંધી તિરંગે રાખડી મોકલે.(૨)
Dp,"પ્રતીક"