રોજનો રાજીપો
=================================
અરવિંદ સાંજે છ વાગ્યે બસો રૂપિયા રોજ લઈ કામ પરથી છૂટીને પોતાની જૂની સાઇકલ પર ઘરે જવા રવાના થયો.વાદળછાયા વરસાદી વાતાવરણમાં રસ્તાઓ પર પાઉંભાજી,દાબેલી, પાણીપુરી, પીત્ઝા વગેરેની લારીઓ પરની મસાલેદાર સુગંધે ખાવાના શોખીન લોકોની મજબુરી પારખી લીધી હતી.
"લોકોને ય જબરી લત છે. આ કપરા કોરોનામાં ય ખાવાનું ચૂકતા નથી. ખાવાનાં ફાંફા પડે ત્યાં મળે તેને બધુંય મળે છે! પણ હારું કે'વાય ; આ રેંકડીયાને જે થોડું ઘણું મળી જાય તો ચૂલો પેટ ઠારે." - એમ વિચારતાં વિચારતાં પોતાની ત્રણ વર્ષની દીકરી રેખા ને તેનો બે વર્ષ મોટો ભાઈ રાહુલ યાદ આવ્યા.
"પપ્પા આ પીસા કેવા આવે?"- બાળરમતમાં જાણી લીધેલી વાનગી રાહુલના પ્રશ્નમાં મહેકાવા લાગી.
" આપણે રોટલા પર સાગ ખઈએ એવા જ હોય."- પોતાનાં શેઠિયાઓને ખાતા જોયેલા એ યાદ કરીને રાહુલનો પ્રત્યુત્તર વાળી દીધો.
"તે એક દા'રો છોકરાઓને ખાવા લેતા આવજો ને... રાજી થાય !!"
પત્ની સુરીએ અરવિંદનાં જવાબમાં ટાપસી પૂરી હતી તે પણ યાદ આવ્યું તેથી એક પીત્ઝાની લારી પાસે સાઇકલ થોભાવી. લારી પર લખેલા ભાવલીસ્ટ પર જોયું તો ૧૫૦-૨૦૦ ની નીચે કંઈ જ નહોતું. પેલો કારીગર પીત્ઝા કેવી રીતે બનાવે છે તે બે ઘડી જોઈને અરવિંદે સાઇકલ મારી મૂકી અને આજનાં બસો રૂપિયા રોજમાંથી લીલું શાક, ધાણા- મરચાં,લોટ અને તેલ લીધું. મન માન્યું નહિં એથી અરવિંદે બચેલા ત્રીસ રૂપિયામાંથી દસ રૂપિયાનાં બે પાર્લેજી લીધાં ને ઘરે જઈ બાળકોને ધર્યા.
રેખા અને રાહુલને ખુશ થયેલાં જોઈ અરવિંદે હાથમાં આપેલા વીસ રૂપિયા, લીલા શાકભાજી અને અન્ય વસ્તુઓ સુરીએ ચહેરા પર મલકાટ સાથે સ્વીકારી લીધી ને રોટલા ઘડવા બેસી ગઈ...!
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.