બીજાને ખુશ રાખવા અને ખુશ કરવા ઘણાં સહેલા છે. આપણે માત્ર બીજાને ગમતું અને ફાવતું કરીએ એટલે એ ખુશ થઈ જશે.
એક પતિને ખુશ રાખવું છે તો એને ભાવતું ભોજન સમયસર આપી દો, એને જેવું ગમે છે તેવું જ વર્તન અને સાજ સજાવટ ઘરમાં કરો એટલે એ ખુશ.
બાળકોને ખુશ રાખવા એ તો એથી પણ વધુ સરળ છે, બસ એમને ગમતી વસ્તુઓ લાવી આપો, એ જેમ કહે તેમ જ કરો એટલે બાળકો ખુશ.
ઘરનાં વડીલોને માન સન્માન આપો, એમની યોગ્ય કાળજી લો એટલે ખુશ.
એક સ્ત્રીને એની પસંદગીના કપડાં, શણગાર માટે સૌંદર્ય પ્રસાધનો લાવી આપો, સમય સમય પર એનાં કરેલ કામના વખાણ કરો એટલે એ ખુશ થઈ જશે.
પોતાનાં ઉપરી અધિકારી, પછી તે ગમે તે સંસ્થા હોય, એને ખુશ રાખવા માટે કામના સ્થળે સમયસર પહોંચો, કામ કરવામાં નિયમિતતા જાળવો. કામ જેટલું સમયસર અને ચોકસાઈપૂર્વક કરેલું હશે ઉપરી અધિકારી એટલાં જ વધારે ખુશ થશે.
પણ આ બધામાં માત્ર બીજાને જ ખુશ રાખવાની વાત છે. પોતાની જાતને ખુશ રાખવા માટે શું કરવું? કોઈ બીજુ તો આપણને ખુશ રાખી શકવાનું નથી. જો આપણી ખુશી બીજા પર નિર્ભર હોય તો શકય જ નથી કે આપણે દરેક બાબતમાં ખુશ રહી શકીએ. બીજાને ખુશ રાખવું એ ખૂબ જ સરળ છે, મુશ્કેલ પોતાની જાતને ખુશ રાખવું છે. એ વાત તો સ્વીકારવી જ રહી કે ચોવીસે ચોવીસ કલાક આપણે આપણને ગમતું કરી શકવાના નથી, પણ થોડો સમય તો એવો રાખવો જ કે જેમાં આપણે ખુશ થઈએ એવાં કામ કરીએ. ભલે એ કામ થોડા સમય માટે જ કરીએ છીએ પણ આખા દિવસની તાજગી પૂરી પાડે છે. જો આપણે મનથી ખુશ હોઈશું તો જ દરેક કામમાં સક્રિયતા બતાવી શકીશું નહીં તો એક પણ કામ વ્યવસ્થિત રીતે નહીં કરી શકાય.
પોતાની જાતને ખુશ રાખવું એ આપણી પોતાની જવાબદારી છે, એને નિભાવવી જ જોઈએ.
ખુશ રહો, ખુશ રાખો.
#ખુશ