લાભ લેવો જેટલો સહેલો છે એટલો આપવો મુશ્કેલ છે. બીજાનો લાભ ઉઠાવવા તો બધા તૈયાર જ હોય છે, પણ જ્યારે પોતે કોઈને માટે કંઈ કરવાનો વારો આવે ત્યારે બધા છટકી જવા માટે બહાના સાથે તૈયાર જ હોય છે.
જ્યારે વર્ષમાં એક વાર કુદરતનું સાંનિધ્ય માણીએ ત્યારે કુદરતનો લાભ લીધો કહેવાય. કુદરતે આપેલી વસ્તુઓથી ઘર સજાવવા તો બધા જ આગળ પડતા હોય છે પણ એ જ કુદરતના ખોળે મળતી શુદ્ધતાનો લાભ લેવા કોઈ તૈયાર નથી થતું.
દૂર દૂરનાં હિલ સ્ટેશને બધાં ફરવા જાય છે પણ ત્યાં કુદરતના સૌંદર્યનો લાભ લેવાને બદલે ખાણી પીણી, ફોટો સેશન અને ખરીદી પાછળ જ સમય પૂરો કરી દે છે. કેટલાયે એવા લોકો જોયા છે જેમને ફરીને આવે પછી પૂછીએ કે આ સ્થળે શું વધુ ગમ્યું? તો જવાબ આપવા માટે તેઓ પાસે કંઈ હોતું નથી.
સામર્થ્યવાન માતા પિતા પોતાનાં બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, પણ આનો પોતાનાં ભણતર અને પ્રગતિ માટે લાભ કેવી રીતે ઉઠાવવો તે શીખવતા નથી. આવા બાળકો બીજા બાળકોને પોતાનાથી ઉતરતી કક્ષાનાં સમજવા માંડે છે અને કેટલાંક સારા મિત્રો મેળવવાનો લાભ ગુમાવી દે છે.
જ્ઞાની વ્યક્તિ કે કોઈ સંત મહાત્મા સાથે વાર્તાલાપનો લાભ મળે તો ક્યારેય જતો ન કરાય. મોટા મોટા પુસ્તકો જે જ્ઞાન ન આપી શકે એ અહીંથી મળી જાય છે. ઉચ્ચ વિચાર ધરાવતાં લોકોની સંગત માણવાનો લાભ ભાગ્યે જ મળતો હોય છે, જ્યારે પણ મળે ત્યારે ઉઠાવી લેવો જોઈએ.
ઘણાં તો મિત્રતા પણ લાભ મેળવવાના ચક્કરમાં કરતા હોય છે. વ્યવસાયમાં મિત્રતા શોધવાને બદલે મિત્રતામાં વ્યવસાય શોધે છે. જયાં લાભની શક્યતા વધારે દેખાતી હોય ત્યાં જ સંબંધ આગળ વધારવામાં રસ દાખવે છે. હું આને માટે કંઈક કરીશ તો એ મારા માટે કંઈ કરશે કે નહીં એ વિચાર્યા પછી જ મદદ માટે હાથ લંબાવે છે.
કેટલાંક એવા લોકો પણ છે જે લાભ મળતો હોય તો પણ પોતાને નીચા ન પડવા દેવા માટે એ લાભ જતો કરે છે. હું આ મદદ લઈશ તો બધા મારા માટે શું વિચારશે? એમ કરીને મળી રહેલ લાભને ઠોકર મારી દે છે.
ઘણાં લોકો તીર્થસ્થાનોએ દર્શન કરવા જવાની ઇચ્છા ધરાવતા હોય છે, પણ એનો લાભ બધાને મળતો નથી. અહીં તમારું નસીબ જ કામ કરી જાય છે.
કોઈ તો એવા હોય છે કે જે પ્રેમ પણ પોતાનાં વ્યક્તિગત લાભ માટે કરતાં હોય છે. આવો પ્રેમ શું કામનો? પ્રેમમાં ન તો દેખાડો કરવાનો હોય કે ન તો લાભ ઉઠાવવાનો હોય.
જો આપણે સારા તો બધા જ વ્યક્તિ આપણને લાભ આપતા દેખાશે નહીં તો લાભ ઉઠાવતા. આપણે લાભ કરાવીશું તો લાભ મળશે જ, અને લાભ ઉઠાવીશું તો આપણો પણ લાભ જ ઉઠાવાશે.
#લાભ