Gujarati Quote in Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી જ જવાબદારી
===================================
(૭)
આજનાં ભાગદોડ ભર્યા સમયને ઘણાં 'સ્પર્ધાત્મક સમય' તરીકે ઓળખાવે છે. અંદરોઅંદર એવી ધાસ્તી પણ સેવતા હોય છે કે- "દોડો નહિતો રહી જઈશું." અને બાકી રહે ત્યાં ચડસાચડસીમાં આ દોડ ઘણી તીવ્ર અને અનિશ્ચિત બની જાય છે.આવી દોડનું કોઈ જ 'STOP' હોતું નથી. ઘણાંને એમ લાગતું હોય છે કે સમયનાં અભાવે પરિવારમાં-બાળકોમાં સમય ફાળવી શકતા નથી. શક્ય છે આ બાબતે આપણે મોટેરાંઓ સમાધાન સાધી શકીએ પણ બાળકો નહિં. બાળકોને જો આપણે સમય નહિં આપીએ તો તે પોતે પોતાની એક નવી દુનિયાનું નિર્માણ કરવા લાગશે. માતાપિતાનાં મિલનસાર સ્વભાવનાં અભાવે તે માતાપિતાથી તરછોડાતું જાય છે. માત્ર ભૌતિક સુખ-સુવિધાઓ આપવાથી જવાબદારી પૂર્ણ થતી નથી.જેમ આપણને ક્યારેક એવું થાય છે કે- કોઈ આપણું દુઃખ-દર્દ સાંભળે, સાંત્વના મળે...તેમ બાળકો પણ આ બાબતે બહું સંવેદનશીલ હોય છે. જો તે બાળપણથી જ મનમાં મુંઝાતુ ફરશે તો તે હંમેશ માટે સારી-નરસી પરિસ્થિતિમાં પણ મૌન જ સેવ્યા કરશે. તેને માં-બાપ પ્રત્યે તિરસ્કાર ફિટવા લાગે તો નવાઈ નહીં. આવા સંજોગોમાં તેને જ્યાંથી જે સાચી- ખોટી, માંગી-વણમાંગી સલાહ મળે તે ઉપાડી લે છે અને અમલ કરવા માંડે છે; આમાં ક્યારેક બહું મોટું નુકસાન ભોગવવું પડ્યું હોય એવા ઘણાં દાખલા છે.
આખા વર્ષમાં એકાદ વખત મોટી પીકનીક કરી આપો તેનાં કરતાં દરરોજ એક સમયગાળો એવો હોવો જોઇએ જેમાં તમે તમારાં બાળકો સાથે આનંદ-મસ્તી કરતા હોય,હળવી વાર્તાલાપ કરતા હોય,અભ્યાસ અંગે પણ હળવી રીતે પૂછી શકાય. બાળકોને માતાપિતા તરીકેની જવાબદારી સાથે મૈત્રીભાવનો સ્પર્શ પણ જરૂરી છે. દરેક ઉંમરના બાળકને આવા હૂંફાળા સ્પર્શની અપેક્ષા હોય છે, અને તે જો આપણે જ નહિં આપીએ તો તે ચોક્કસ બહાર શોધવા જશે. શું આવું આપણને પરવડશે ખરું!? આપણું ઘર અને ઘરનો માહોલ બાળકનાં જીવનઘડતરનું સૌથી મોટું અને પ્રથમ સોપાન છે.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111515074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now