#તરંગી
આભ ઝરમર ઝરે તમે ગયા પછી
રોજ પીંછાં ખરે તમે ગયા પછી
સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે તમે ગયા પછી.
મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળિયો,
શૂન્યતા થરથરે તમે ગયા પછી.
તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે તમે ગયા પછી.
તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે તમે ગયા પછી.
‘ઊર્મિ’ કેવી #તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે તમે ગયા પછી...