હું મારું રક્ષણ પોતે જ કરીશ...
હા, હું જાણું છું કે હું સ્ત્રી છું. હું જો આખા ઘર પરિવારનું રક્ષણ કરી શકતી હોઉં તો મારું પોતાનું ન કરી શકું? કહેવાય છે કે એક પુરુષ શારીરિક રીતે મજબૂત હોય છે તો એક સ્ત્રી મનથી મજબૂત હોય છે. મને નથી જરુર કોઈ પુરુષની જે મને મક્કમ બનાવી શકે. હું જેને જન્મ આપું છું એ શું મને સાંચવશે? આ વાક્યોમાં ભારોભાર અભિમાન છલકાય છે. પરંતુ જ્યારે સ્ત્રીનું સ્વાભિમાન ઘવાય છે ત્યારે સ્વાભાવિક છે કે આત્મસન્માન સાચવવા એણે પોતાનો અભિગમ બદલવો જ પડે છે. અને આપણે જાણીએ જ છીએ કે જ્યારે જ્યારે સ્ત્રી એ પોતાનો અભિગમ બદલ્યો છે ત્યારે ક્યાં એ મા બની છે, ક્યાં તો મહાકાળી. સ્ત્રીને નિડર બનાવવાની કાનિયત કોઈ જ પુરુષ માં નથી.એક સ્ત્રીને સફળ બનાવવા પાછળ પિતાથી લઈને પુત્ર સુધી, તમામ પુરુષોનો સાથ હોય છે. પરંતુ એક સ્ત્રીને નિષ્ફળ બનાવવા પાછળ પણ પુરુષનો જ હાથ હોય છે. માર થી લઈને મૃત્યુ સુધી. આ એક કડવું સત્ય છે. જે યુગોથી ચાલતું આવ્યું છે અને આ એકવીસમી સદીમાં પણ એટલું જ સત્ય સાબિત થઈ રહ્યું છે.
લગ્ન સમયે છોકરીને અનેક સવાલો પૂછાય છે. વાનગીથી લઈને વર્જીનીટી સુધીના. શું આ બધા પ્રશ્નો છોકરાઓ માટે નથી? અને હોય તો જાહેરમાં એને પૂછાવવા જ જોઈએ.
હવે દીકરી - જમાઈ, વહુ- દીકરો બધા સમાન.
આજનો સમય બદલાયો છે. પુરુષ સ્ત્રીને સમજતો થયો જ છે. છતાં હજી પણ સ્ત્રી પોતાની જાતને પુરુષથી જ અસુરક્ષીત સમજે છે. કેમ?? આ સમાજ પાસે જવાબ હોય તો આપો. એક ખૂબ જ સરસ ઉદાહરણ મૂકું છું
અહીં, પોતાની પત્ની ને જાહેરમાં માન સન્માન આપતા પુરુષનું .. વાત ઘણી જુની છે પણ જોરદાર છે. 2018 સપ્ટેમ્બર... મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના પત્ની અમૃતા ફડનવીસની તેમના સેલ્ફી ક્રેઝ માટે સોશિયલ મીડિયામાં ખુબ ટીકા થઈ હતી. લોકોએ કહ્યું, ‘એક મુખ્યપ્રધાનના પત્નીનું જાહેરમાં આવું વર્તન ના હોવું જોઈએ.’ દેવેન્દ્ર ફડનવિસે જાહેરમાં ખુલાસો આપવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અમૃતા ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ છે. તેણે જાહેરમાં સમતોલપણે રહેવું જોઈએ પણ અત્યાર સુધીના મુખ્યપ્રધાનોના પત્નીમાં તે સૌથી યુવાન છે. નટખટ રહેવાની તેની ઉંમર છે. બિચારીને લહેર કરવા દો ને. સમય આવ્યે તે ચોક્કસ ગંભીર થઈ જશે.’ તેમના જવાબથી સૌને સંતોષ થયો. એક મહિલા પત્રકારે લખ્યું હતું કે, ‘પતિ હો તો ઐસા.’
હવે આ સ્ત્રી પોતાની જાતને કેટલી સુરક્ષીત મહેસૂસ કરી શકતી હશે? બીજી બાજુ ચૌદ વર્ષની દીકરી પોતાના બાપથી ત્રાસી, સ્વબચાવ કરવા વલખા મારતી જણાય છે. આ વિરોધાભાસ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સ્ત્રી એ પોતાનું રક્ષણ જાતે જ કરવું પડશે. કોઈ જ તમારી મદદ માટે ન જ આવશે. એવા માનસિક તણાવના સમયમાં પોતાની ક્ષમતા ઓળખી પોતાની સ્વરક્ષા કરો. સ્ત્રી પાસે મક્કમ મનોબળ છે, આત્મવિશ્વાસ છે, બુદ્ધિ છે, આવડત છે, સુંદરતા છે, બધું જ છે. પણ, આપણે જ આપણને ઓળખતા નથી અને પુરુષ જેવી ચીતરે છે એવી જ પોતાની જાતને માની લઈએ છીએ. હંમેશા યાદ રાખો આપણે જ જો સ્વાભિમાન અને આત્મવિશ્વાસથી રહેશું તો જ સામેની વ્યક્તિ પણ આપણને એ નજરથી જોશે અને એવું જ વર્તન કરશે. એથી આપણી જીંદગી આપણે કઈ રીતે જીવવી એ આપણા હાથમાં છે.
- કિંજલ દિપેશ પંડ્યા (કુંજદીપ)