મહેચ્છા...
કોઈ પંખીને ભૂખ્યા સૂતા જોયું છે?
આ તો માણસોને ચિંતા કોરે ખાય!
કોઈ ફૂલને એની સુંદરતા પર સ્નેહ ખરો?
આ તો માણસને વખાણના વલખાં હોય!
કોઈ નદીને એના વેગનું અભિમાન હોય?
આ તો માણસ જ વેગપ્રવેગમાં વર્તાય!
કોઈ દિવસને એની રાતની ઈર્ષ્યા હોય?
આ તો માણસ ને અદેખાઈના અભરખા!
કોઈ દિશાને ખૂણાનું ડાહપણ ખરું?
આ તો માણસ કાનભંભેરણી માં કોહવાય!
કોઈ વૃક્ષને એના કપાયાનું દુઃખ ખરું?
આ તો માણસને સુખનાં મિથ્યા સપનાઓ!
કોઈ વેરાન ધરતીને એકલા સતાવે ખરી?
આ તો માણસ ભીડમાં પણ એકલો જણાય!
કોઈ પવનની લહેરખી મૌન ધારણ કરે ખરી?
આ તો માણસ અજંપામાં બબડાટ કરે!
- સેતુ....