માણસ જ્યારે ઘણી બધી જવાબદારીઓથી થાકી જાય છે ત્યારે એ બેદરકાર બનવાની શરૂઆત કરે છે. એક ખૂબ જ સારો માણસ સંજોગોને લીધે જો ખરાબ બને તો એ ખુંખાર સાબિત થાય છે. એવી જ રીતે જો કોઈ એક જ વ્યક્તિ બધી જ બાજુએ દોડતી રહે અને બધાને સાચવતી રહે તો છેવટે કંટાળીને એ બધું જ છોડી દેશે. સંપૂર્ણપણે બેદરકાર બની જશે.
પણ જે પહેલેથી જ બેદરકાર છે તેણે સમયસર જાગી જવું જરુરી છે. એની બેદરકાર રહેવાની આદત ક્યાંક ઘણાં મોટા નુકસાનને આમંત્રણ ન આપી દે. બેદરકાર કોણ હોય છે? બે પ્રકારનાં લોકો છે કે જે મોટા ભાગે બેદરકાર જોવા મળે છે. એક તો એ લોકો કે જે પહેલેથી જ બેદરકાર છે અને બીજા એ જે વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવે છે.
પરીક્ષાના પરિણામ વખતે પણ આપણે જોયું જ છે કે ઘણી વાર જે ખૂબ જ સારો વિદ્યાર્થી હોય એનાં કરતાં નબળો વિદ્યાર્થી સારું પરિણામ લઈ આવે છે. આનું કારણ માત્ર એક જ છે - પેલા સારા વિદ્યાર્થીનો વધુ પડતો આત્મવિશ્વાસ, જેનાં કારણે તે પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત રીતે કરતો નથી.
પોતાનાં પ્રિયજનની વર્ષગાંઠ કે પોતાની લગ્નતિથી ભૂલી જવી એને હું બેદરકારી નથી ગણતી. પરિસ્થિતિવશ ક્યારેક યાદ ન પણ રહે. જ્યારે સંબંધ સાચવવામાં કે પછી લાગણી બતાવવામાં કે કાળજી લેવામાં તમે પાછા પડો તો બેદરકાર છો એમ ચોક્કસપણે કહી શકાય. હું તને ખૂબ ચાહું છું કે પ્રેમ કરું છું, તારા માટે જીવ પણ આપી શકું છું કહી દેવાથી પ્રેમ નથી કરાતો, એને માટે પ્રેમ, લાગણી, કાળજી અને હૂંફ જેવી બાબતોમાં ધ્યાન રાખવું પડે છે. ત્યાં જો તમે બેદરકાર રહ્યા તો સમજી લેજો કે ખૂબ જ ટૂંક સમયમાં તમે આ સંબંધ ગુમાવી દેશો.
જ્યારે કોઈ બહારની વ્યક્તિ તમારી ટીકા કરે તો બેદરકાર બની જાઓ. કોઈ જરૂર નથી જવાબ આપવાની. કોઈ તમારુ અપમાન કરે અને ત વ્યક્તિ સાથે તમારે કોઈ લેવા દેવા ન હોય તો બેદરકાર બનીને એની વાત અવગણી લો. કોઈ બીજાએ કરેલી ભૂલમાં લાગણીવશ થઈને ક્યારેય સાથ ન આપો. આ સમયમાં સંબંધ સાચવવામાં બેદરકાર બનવું જ સારુ છે.
#બેદરકાર