" ડૉક્ટર સાહેબ, મારો દીકરાનું વર્તન ખૂબ બદલાયું છે. નાનીનાની વાતોમાં ઉગ્રતા આવી જાય છે. એકદમ ચીડિયો સ્વાભાવ થતો જાય છે! રાતે ઉજાગરા કરે, મોડો ઉઠે, અને ખાવા-પીવાનાં સમયનું ઠેકાણું નહીં!" એક પિતાએ પોતાની વ્યથા મનોચિકિત્સક સામે મૂકી.
"હા. આજકાલ આવું થતું હોય છે. આવા ઘણાં કિસ્સાઓ આવતાં હોય છે. મને થોડાં પ્રશ્નના જવાબ જાણવા પડશે." ડોકટરે એમ કહી થોડાં પ્રશ્નો પૂછ્યા?
" ઘરમાં દરેક વ્યક્તિનો નિત્યક્રમ, આહાર, વિહાર વગેરે.."
"અમે રોજ સાંજે આઠ વાગ્યે જમી લઈએ. છએક વાગ્યે નાસ્તો કર્યો હોય તો કયારેક નવ કે દશ વાગે; એનાથી મોડું ક્યારેય નહીં. પણ એનું નક્કી નહીં. રાતે બાર વાગે નાસ્તાનો ડબ્બો લઈને બેસી જાય કે મેગી બનાવે. હું રાતે સૂતી વખતે એને કહું પણ ખરો કે ઘડિયાળ જો, એક વાગ્યો છે, તો એ ધ્યાન પણ ન આપે; બસ મોબાઈલમાં માથું નાખીને મારી સલાહને વખોડી કાઢે!"
ડોકટરે ગળું ખંખેર્યું અને પછી કહ્યું, " જુઓ, આ સમસ્યાનું નિવારણ સરળ છે, પણ માં-બાપ માટે કઠીન છે. બાળકના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે સંતુલન - આહાર, વિહાર, નિંદ્રા, હવા, પાણી વગેરેનું સંતુલન અને સાથે નિયમિતતા.
એનાં માટે જરૂરી છે યોગ્ય સંતુલિત વાતાવરણ." થોડું અટકીને આગળ કહ્યું, " મારી સલાહ છે, જો આપ ગંભીરતાથી આ સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો, આપના બાળકને હોસ્ટેલમાં મુકવું જોઈએ..! જીવનમાં સંતુલન ખૂબ જરૂરી છે!"
- કેતન વ્યાસ
#સંતુલન