એક થાકેલી, કં
ટાળેલી, હતાશ, નિરાશ થયેલી વ્યક્તિને કોઈ પોતાના વ્યક્તિ - તે માતા પિતા, જીવનસાથી, સ્નેહીજન, સંતાન કે મિત્ર કોઈ પણ હોય, હૂંફ એક નવી તાજગી બક્ષે છે. તેનામાં એક નવી આશાનું કિરણ પ્રગટે છે. તે ફરીથી એક નવા વિશ્વાસ સાથે પોતાના કામમાં મન પરોવી લક્ષ્ય તરફ આગળ વધે છે.
દરેક વ્યક્તિ ક્યારેક તો કોઈ હૂંફ ઇચ્છતી જ હોય છે. એક બાળકથી વધારે પ્રેમનું ભૂખ્યું કોઈ નથી હોતું. નાનપણમાં ઘરનાં લોકોની પ્રેમભરી હૂંફ વચ્ચે મોટું થયેલ બાળક પોતાનું સારુ ખરાબ શેમાં છે તે વિચારવા માટે સક્ષમ હોય છે. જે રીતે એક બાળકને હૂંફની જરુર પડે છે એવી જ રીતે એક પુખ્ત વયની વ્યક્તિને પણ હૂંફની જરુર પડે છે, ફરક માત્ર એટલો જ હોય છે કે બાળક હૂંફની માંગણી કરી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ સંકોચ અનુભવે છે.
ક્યારેક વિચાર્યું છે કે જે બાળકો રસ્તે રઝળતા હોય છે એને કોણ હૂંફ આપતું હશે? આપણે એમને હૂંફ તો આપી નથી શકતા પણ એમને ખાવાનું કે કપડાં પહેરવા માટે આપીને એમની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડી શકીએ છીએ. એમને કોઈ અનાથ આશ્રમમાં દાખલ કરાવી શકાય જયાં એમને હૂંફ આપનાર એમનાં જેવા મળી રહે. કોઈ નિઃસહાય વૃદ્ધ હોય તો એને વૃદ્ધાશ્રમમાં મૂકી શકાય કે જયાં એમને પણ એમનાં જેવાની જ હૂંફ મળી રહે.
હૂંફ એટલે માત્ર કોઈને બે સારા શબ્દો જ કહેવા કે એમની જરૂરિયાતનાં સમયે લાગણી બતાવવી એવું નથી, પરંતુ હૂંફ એટલે કાયમ માટે એ વ્યક્તિ આપણાથી કંઈક નવું શીખતી રહે, આપણાં સહવાસમાં પોતાને સુરક્ષિત સમજે, વિના ડરથી આપણને પોતાની વ્યથા કહે, પોતે શા માટે નિરાશ છે એની મુકત મને ચર્ચા કરે.
ઘણી વાર હૂંફનાં અભાવમાં વ્યક્તિ પોતાની તકલીફોની ચર્ચા ન કરી શકવાને કારણે હતાશામાં એટલી હદે ગરકાવ થઈ જાય છે કે ન ભરવાનું પગલું ભરી બેસે છે. દરેકે પોતાની પાસે એક ભરોસાપાત્ર વ્યક્તિ તો એવી રાખવી જ કે જેની સાથે એ પોતાની કોઈ પણ સમસ્યા વિશે દિલ ખોલીને વાત કરી શકે. જેની પાસે આવી વ્યક્તિ નથી હોતી એમને નિરાશામાંથી બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ હોય છે. કોઈને એની સમસ્યા ખબર ન હોવાને લીધે જો એ કંઈ ન કરવાનું કરી બેસે તો પણ કોઈ કહી ન શકે કે એણે આવું શા માટે કર્યું?
માટે જ્યારે પણ કોઈ આપણી પાસે પોતાની કોઈ સમસ્યા લઈને આવે ત્યારે ભલે આપણે એને મદદ કરી શકીએ એમ ન હોય પણ શાંતિથી એની વાત સાંભળીને શકય એટલી હૂંફ આપવાનો પ્રયત્ન તો કરી જ શકીએ.
#હૂંફ