ઉત્સાહી હોવું એનો અર્થ હંમેશા ખુશ રહેવું એવો નથી થતો, પણ દરેક કામમાં મનથી ભાગ લેવો એવું થાય છે. આપણે કામ કરીએ પણ એ માત્ર બીજાને સારુ લગાડવા પુરતું જ કરતા હોઈએ તો કરવાનો કોઈ અર્થ નથી. જે ઉત્સાહી હોય છે એ કોઈ પણ કામને બીજાનું નહીં પણ પોતાનુ સમજીને કરે છે.
તમે જ્યાં નોકરી કરતા હોવ છો ત્યાં ઘણાં એવા મળશે કે જેને માત્ર સૉંપેલ કામ સિવાયના કોઈ કામ કરવામાં બિલકુલ રસ હોતો નથી. આ ઉત્સાહી લોકો નથી. ઉત્સાહી લોકો સંસ્થાને પોતાની માની દરેક કામમાં મદદ માટે હાજર થઈ જાય છે. આવા કર્મચારી નસીબદાર સંસ્થાને જ મળતાં હોય છે.
એક બાળકને ધ્યાનથી કોઈ વાર જોયું છે? એ દરેક કામ ખૂબ જ ઉત્સાહી થઈને કરે છે. એને એ બાબત સાથે લેવાદેવા જ નથી કે એને ફાયદો થશે કે નુકસાન. એક વ્યક્તિ જ્યારે પોતાના અંગત સ્વાર્થને બાજુ પર મુકીને કામ કરે અને તે પણ બીજા માટે ત્યારે તેને ઉત્સાહી કહેવાય.
ઉત્સાહી બનવા માટે મહેનત કરવી પડતી નથી માત્ર દાનત હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ પોતે જયાં સુધી ન ઈચ્છે ને ત્યાં સુધી એને કોઈ ખુશ રાખી શકતું નથી, એવી જ રીતે ઉત્સાહી પણ એણે જાતે જ બનવું પડે છે, કોઈ એને ઉત્સાહી બનાવી શકતું નથી.
એક કડિયો જ્યારે એનાં માલિક માટે મકાન ચણતી વખતે કામ કરે છે એના કરતા વધુ ઉત્સાહી એ ત્યારે હોય છે જ્યારે એ પોતાનુ ઘર બનાવે છે. જ્યારે આપણે કારણ વગર ઉત્સાહી હોવાનો અનુભવ કરીએ ત્યારે જ કોઈ પણ કામ સારી રીતે કરી શકીએ, નહીં તો કરવા પુરતું જ કર્યું કહેવાય. ઉત્સાહ અને મહેનત આ બન્ને ભેગા મળીને કામની સફળતાનો આનંદ બમણો કરી દે છે.
#ઉત્સાહી