કૂંપળે ખીલીને પછી કાયમ ખરી જવાનું,
મૃત્યુંનો ડર રાખી કાંઈ થોડું મરી જવાનું?
આપી છે સર્વ ને પાંખ ઉડવાને કાજે,
ઉડન પંછી આભમાં ઉંચે-ઉંચે જાજે,
રાખી હૈયા માં હામ ફફડાવજે પાંખો,
એટલી ઉંચાઈ થી કાંઈ થોડું ડરી જવાનું?
અન્યાયનો વિરોધ કાયમ કરી લેવાનો,
આત્મબળ છે તારામાં વિશ્વાસ કરી દેવાનો,
હોય દુશ્મન મોટો તેથી ભય ન રાખજે,
બગલાડોકે બાઝી, કરચલા બટકો ભરી જવાનું.
આવે પાસ સમ્રુદ્ધી કદાચ ગર્વ ન કર તુ,
આપવાથી વધશે જરુર વિશ્વાસ કર તુ,
ભરાય છે માટલી ત્યારે ઝમે છે તોજ ઠરે છે,
ઉંચે ના જઈશ,ફળ આવે તો નીચે ઢળી જવાનુ.
મરે તો ધાનના ધનેરા કોઈ યાદ નહીં કરે,
સ્વાભિમાની હશે તો તને સાદ નહીં કરે,
સાથે જીવવા માટે તો સૌ તૈયાર થઇ જશે,
મદદ કરવા બીજાની મોત વ્હાલુ કરી જવાનુ.
એટલો બધો અકડાઈ ના જતો કે વળી ના શકે,
શું પડ્યું છે હ્રદયમાં કોઈ એને કળી ના શકે,
આપણે તો માટીના માનવી,માટીમાં જીવવુ પડે,
હોય ભલેને ઊંડા જળ નદીના, તોય તરી જવાનું.