દરિયો વિશાળ છે ને નાની જ નાવ છે,
છોડી દે યાર આ તો જૂઠ્ઠો બચાવ છે.
સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?
આવે નહીં તો જાય બીજે ક્યાં આ ચાંદની ?
ખેતરના માંચડા પર મારો પડાવ છે.
એને જરાય એના કદથી ન માપ તું
જેવી છે, જેવડી છે, અંતે તો વાવ છે.
કિશોર શ્રીમાળી
#વિશાળ