Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાણક્યએ કહ્યું છે કે અત્યંત હોય એવી બધી બાબતો ઝેર સમાન છે, પછી એ પ્રેમ હોય કે નફરત, ધન હોય કે ગરીબી.
જ્યારે કોઈને અત્યંત પ્રેમ કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે જ અપેક્ષાઓ વધી જાય છે અને પછી શરુ થાય છે અસંતોષની લાગણી જે ધીમે ધીમે એકબીજાથી દૂર લઈ જાય છે. અત્યંત નફરત એ કોઈ પણ હદે નીચ હરકત કરવા પ્રેરે છે.
આપણે ઘણી વાર વાંચ્યું કે સાંભળ્યું છે કે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને મારી નાંખી કે પછી એનાં પર હુમલો કર્યો કે એનાં ઘરનાં લોકોને પણ પરેશાન કર્યા. કોઈ છોકરીએ એકતરફી પ્રેમમાં આત્મહત્યા કરી. આ બધા કિસ્સાઓ બતાવે છે કે એકતરફી પ્રેમ કે નફરત કેટલા ઘાતક હોઈ શકે. સોનાનું ઈંડું આપતી મરઘીની વાર્તાથી તો આપણે સૌ પરિચિત જ છીએ.
તમે ક્યારેય સાંભળ્યું છે કે ઝૂંપડામાં રહેતા એક શ્રમિકનું કોઈએ અપહરણ કર્યું કે ભીખ માંગતા એક વ્યક્તિ પાસે કોઈએ ખંડણી માંગી? ના. આ બધુ ત્યાં જ બને છે જયાં અત્યંત અમીરી છે. કરકસર અને કંજુસાઈ વચ્ચે અત્યંત પાતળી ભેદરેખા છે. અત્યંત કરકસર કરનારની ગણના છેવટે તો કંજૂસ તરીકે જ થાય છે અને અત્યંત ઉદાર બનવામાં ક્યારેક પોતાને માટે હાથ ફેલાવવાનો વારો આવે. અત્યંત ઉદાર બનવું, અત્યંત ઉડાઉ બનવું કે અત્યંત કંજૂસ બનવું પણ હાનિકારક છે.
અત્યંત લાગણીશીલ વ્યક્તિ હંમેશા દુઃખી હોય છે કારણ કે એ બધા માટે લાગણીવશ જે પણ કંઈ કરે છે તેની સામે એને અડધું પણ વળતર ભાગ્યે જ મળતું હોય છે. કોઈના માટે પ્રેમ, સહાનુભૂતિ, લાગણી, આદર હોવા જોઈએ પરંતુ એટલા અત્યંત પણ નહીં કે જેને લીધે આપણે પોતાની જાતને જ દુઃખી કરી લઈએ.
જે રીતે ખૂબ જ ભાવતું ભોજન પણ હદ બહારનું ખાઈ લઈએ તો ઊલટી થઈને નીકળી જાય છે એવી જ રીતે અત્યંત હદ બહારનું કોઈ પણ કામ અંતે તો નુકસાનકારક જ સાબિત થાય છે. જીવન માટે હવા અત્યંત જ જરુરી છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ એ જ હવા જો વાવાઝોડા સ્વરૂપે આવે તો? 'જળ એ જ જીવન' - સહુ કોઈ જાણે છે, પણ જ્યારે પુર આવે છે ત્યારે આ જ જળને બધા ગાળ દેતા હોય છે. તાપ અને વરસાદ બન્ને ખેતી માટે જરુરી છે પણ તે અત્યંત વધી જાય તો પાકનો નાશ કરે છે. ખાતર પણ સારો પાક લેવા માટે જરુરી છે, પણ અત્યંત વધારે પ્રમાણમાં નાખેલું ખાતર પાકને બગાડી નાંખે છે.
અત્યંત પ્રેમથી ઉછરેલું બાળક ભવિષ્યમાં આવતી મુશ્કેલીનો સામનો નથી કરી શકતું કારણ કે એણે ક્યારેય મુશ્કેલી જોઈ જ નથી હોતી. વર્ગમાં હંમેશા પ્રથમ આવનાર અત્યંત તેજસ્વી બાળક ક્યારેક ઓછા માર્ક આવતા ન ધારેલું પગલું ભરી લે છે કારણ કે એણે નિષ્ફળતા જોઈ જ નથી હોતી. બોર્ડની પરીક્ષા વખતે પણ આપણે જોઈએ છીએ કે અત્યંત શ્રીમંત કુટુંબમાં ઉછરેલ અને અત્યંત સગવડો મળેલ બાળક કરતાં અત્યંત ગરીબ પરિવારમાંથી આવેલ બાળક ક્યારેક વધુ માર્ક લઈ આવે છે.
જીવનમાં સફળતા અને વખાણ જેટલા જરુરી છે એટલા જ જરુરી નિષ્ફળતા અને નિંદા છે. મેં વર્ગમાં ઘણી વાર અનુભવ્યું છે કે કેટલાક પ્રશ્નોના જવાબ અત્યંત તેજસ્વી વિદ્યાર્થી નથી આપી શકતા પરંતુ જેની પાસે અપેક્ષા જ ન રાખી હોય એવા વિદ્યાર્થી પાસેથી મળે છે.
#અત્યંત

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111481281
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now