રડતો હતો હું એમ તું પણ ત્યાં રડી હશે,
સમજાય નહિ મુશ્કેલ એવી કો ઘડી હશે.
કે એમની રાતો વિચારોમાં પડી હશે,
યાદો અમારી એમને આવી ચડી હશે.
એ સાથની પણ ખોટ વર્તાઈ રહી હશે,
જ્યારે પરસ્પર માછલી જોડે અડી હશે.
તૂટયાં પછી તું કોણ ને હું કોણ બોલતા,
એની જ વાતો કેટલી એને નડી હશે?
વાટે હજું મારી નજર તડપે અહીં તહીં,
ને આજ લગ એ રાહ તાકી ને ખડી હશે.
એ તો જગત આખાય સામે છે લડી શકે,
મુંજવણ હશે ને જાત સાથે એ લડી હશે.
છે રાખવાને લાજ એનાં બાપની, જીવણ!
છે જિંદગી આ દુઃખની, પણ પરવડી હશે!
- અક્ષ ધામેચા