સૌથી પહેલા આભારી છું મારી માતાનો કે જેણે પોતાના જીવને જોખમમાં મૂકીને મને જન્મ આપ્યો. પછી આભારી છું મારા પિતાની કે જેણે દિવસ રાત, તડકો છાંયડો વરસાદ જોયા વગર અને પોતાના તમામ શોખ બાજુ પર મૂકીને સતત કામ કર્યું. જો આ બે વ્યક્તિ ન હોત તો આજે આ સ્નેહલ અહીં ન હોત. પછી આભારી છું મારા પ્રભુની કે જેણે મને હંમેશા મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, હંમેશા મને ખોટું કામ કરતા રોકી છે. મારા શિક્ષકોનો તો આભાર માનું એટલો ઓછો છે કે જેમણે મને આટલી લાયક બનાવી. આભારી છું મારા સ્નેહીજનોની કે જેઓ મારા સુખ દુઃખમાં મારા પડખે ઊભા હોય છે.
આભારી તો હું મારા સાથી કાર્યકર્તાઓની પણ છું કે જેમણે મને હંમેશા સંસ્થાની માહિતી આપી મને કામ કેવી રીતે કરવું એની સમજણ આપી, અને સંસ્થાના ઉપરીઓને તો કેમ ભૂલાય જેમણે મને એમને ત્યાં કામ કરવાની તક આપી. જેમણે મને નીચા દેખાડવાની કોશિશ કરી આભારી તો એમની પણ છું, કારણ કે એમણે મને વિપરીત પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ કેમ ટકાવી રાખવો એ શીખવ્યું. નહીં તો પોતાની જાતને સાબિત કરવાની હું ક્યારેય કોશિશ જ નહીં કરતે.
જીવનમાં કેટલાય લોકો આપણને મળે છે જે આપણને કંઈક નવું શીખવે જ છે, આપણને એ શોધતા આવડવું જોઈએ કે એઓ શું શીખવે છે? સાથે એ પણ ખબર પડવી જોઈએ કે આપણે શું નથી શીખવાનું.
હવે જ્યારે વાત આભારી બનવાની જ આવે છે ત્યારે જિંદગીની લાઈફ સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ કેવી રીતે ભૂલાય? અરે, આપણાં મિત્રો. આપણે જ્યારે બધુ ગુમાવી દઈએ છીએ ને ત્યારે પણ આપણી પડખે માત્ર આપણાં મિત્રો જ જોવા મળશે. એમની તો હું આભારી છું એમ કહું ને તો પણ આવીને લડશે કે તુ શું સમજે છે અમે તારા પર ઉપકાર કર્યો છે?
જ્યારે બધા આપણને છોડીને જતા રહે છે ને ત્યારે 'હું છું ને!' એવું કહેવા માટે ક્યાં તો આપણાં જીવનસાથી હોય છે ક્યાં તો મિત્રો. આ બન્ને જણા એવા છે કે જેને આપણે પોતે આપણાં જીવનમાં આવવાની તક આપીએ છીએ, બાકી બધા સંબંધો તો જન્મતાંની સાથે જ મળી જાય છે.
જો શ્રી કૃષ્ણ પોતાના મિત્રના આભારી થઈ શકતા હોય તો આપણે તો સામાન્ય માનવી છીએ. મિત્રોને તો કામ કરવા માટે પૂછવું પણ ન પડે, એમને તો કહી જ દેવાનું હોય કે કરી દેજે. તો આભારી તો એમની પણ છું. હસતા હસતા રડાવે અને રડતા રડતા હસાવવાનું કામ એક મિત્ર જ કરી શકે છે.
અંતે, જીવનમાં મને આગળ વધવા માટે મદદ કરનાર, હિંમત આપનાર તમામની હું આભારી છું.
#આભારી