#વિવેકી
સમસ્યાનો સામનો કરો
વિવેકી બનો
ભાગવત ગીતા મા લખ્યું છે કે જે સમયે કોઈ સમસ્યા જન્મ લે છે, તેની સાથેજ તેનું સમાધાન પણ જન્મ લે છે. આજે સમગ્ર વિશ્વ સંકટ નો સામનો કરી રહ્યું છે. મિત્રો, મુશ્કેલીઓ ગમે તેવી હોય છતાં આશા નો ત્યાગ મનુષ્યએ કયારેય ના કરવો જોઈએ. લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. આશા આજની વાસ્તવિકતામાં થી આવતી કાલનું સર્જન કરનાર શિલ્પી છે. આ પૃથ્વી ઉપર પાંગરેલ જીવન આજ સુધી મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિનો સામનો કરીને જ આગળ વધી શક્યું છે. દુઃખમાં માનવ નું સાચું જીવન ઘડતર થાય છે. દુઃખમાં અજ્ઞાન, અહંકાર અને ઈગો નો નાશ થાય છે. વિનમ્રતા, શ્રદ્ધા, સાદાઈ અને ભક્તિભાવ નું પ્રાગટ્ય થાય છે. ધીરજ અને હિંમત માનવી ને સમાધાન અને ઉકેલ તરફ લઈ જાય છે. અનેક અવરોધો આવવા છતાં ઝરણું તેની ગતી ને ત્યજતું નથી. તે પોતાની મસ્તી મા કલરવ કરતું કરતું આગળ વધે છે. મિત્રો, કસોટી ની એરણ પર ચડ્યા વિના કોઈપણ વસ્તુ ઉત્કૃષ્ટ બનતી નથી. સોનું આગ માં તપે છે, જયારે પત્થર ઉપર ઘા પડે છે ત્યારે મૂર્તિ નું સર્જન થાય છે. તેમ મનુષ્ય દુઃખ રૂપી અગ્નિમાં થી પસાર થઈને શક્તિશાળી, પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ બને છે. પ્રભુ ભક્તિ, ભગવાનમાં ભરોસો, ઈશ્વરમાં શ્રદ્ધા અને પરમેશ્વરની કૃપા માનવ ને સમસ્યાનો સામનો કરવા શક્તિ મય અને ઊર્જા મય બનાવે છે.
"તમારા પ્રભુને કદી ના બતાવો કે તમારું દુઃખ કેટલું મોટું છે.....!
તમારા દુઃખને એ બતાવો કે તમારો પ્રભુ કેટલો મોટો છે.." !
માટે આ સમયમાં ટકવું પણ તૂટવું નહી. એક - મેક ને આ વિપત્તિના સમયમાં સહારો બનવાનો, સથવારો આપવાની અને સધિયારો અર્પણ કરવાની તાતી જરૂરિયાત છે.