હેલ
વીસ વર્ષની રમીલાને, એની સાવકી મા પચાસ વર્ષના આધેડ પાંસે સીત્તેર હજાર રૂપિયા લઈ રમીલાનુ સગપણ નક્કી કરવાની વાત સાંભળી રમીલાને એની મા યાદ આવી ગઈ.મનોમન નિશ્ર્ચય કરી કુવે પાણી ભરવા ગઈ.પરત આવતાં ઘરે જવાને બદલે ગામના માથાભારે રઘુ ના ઘરે જઈ રઘુને કહ્યું," મારી હેલ ઉતાર રધુ". રઘુને તો ભાવતું હતું ને વૈદે કહ્યું.તરત રમીલાને ઘરમાં લીધી અને રઘુની મા એ લાપસી નાં આંધણ મૂક્યા.
રમીલા ના સહવાસથી રઘુએ ગુંડાગીરી છોડી પોતાની ખેતીમાં મહેનત કરવા માંડી,રઘુ બે પાંદડે થતાં જ ગામના લોકો રઘુને માનથી બોલાવતા થયાં ,રઘુ- રમીલાની જીંદગી સુધરી ગઈ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા