રિમઝીમ રિમઝીમ વષોઁ કરે ને કલબલ કલબલ મારું વ્હોટસએપ કરે!
ફોન બંધ કરીને સૂવાં જતો હતો ને એટલાંમાં પાછો, ટિડીંગ કરતો વ્હોટસએપ પર મેસેજ આવ્યો અને એ પણ રોજબરોજની જેમ "ચાંદ કી ઇસ ચાંદનીમેં આપ હસતે મુસ્કુરાતે રહે, આપ હમે યાદ કરે યા ના કરે હમ આપકો યાદ કરતે રહેંગે, ગુડનાઇટ" અરે ભાઈ અત્યારે મુસ્કુરાવાંનો ટાઈમ નથી સૂવાં દે ને.
આજકાલ દરેક પાસે સ્માર્ટ ફોન છે અને એમાં પણ બીજી કોઇ એપ ઇન્સટોલ કરે કે ના કરે પણ વ્હોટસએપ સૌથી પહેલાં ઇન્સટોલ કરે અને દરેક ના વ્હોટસએપમાં ફેમિલી કરીને એક ગ્રુપ તો હશે જ અને જો પાછાં તમે પરણેલાં હોવ તો સાસરિયાંનું ફેમિલી અને પિયરનું ફેમિલી એમ બે અલગ ગ્રુપ. દિવાળી કે કોઇ તહેવારમાં ભેગાં થાય ત્યારે સાથે મળીને વાતો ન કરે પણ વ્હોટસએપમાં Hi થી લઇને Bye સુધીની વાતો કરી લે.
પાછું ફેમિલીમાં મેસેજ કરતાં ધ્યાન રાખવું પડે હોં, કોઇ નોનવેજ કે ડબલ મિંનિગ વાળો મેસેજ જતો રહ્યૉ તો ઘરમાં તલવારબાજી થઇ જાય. આવો જ એક કિસ્સો મારા સુરતી મિત્ર સાથે થયેલો એનાં વ્હોટસએપ પર "ફોરેવર ફેમિલી" અને "ફોરેવર ફ્રેન્ડ" એમ બે ગ્રુપ હતાં તો ડોબા એ જોયાં વગર ગાળોથી ભરેલો મૅસેજ ફેમિલીનાં ગ્રુપ માં મોકલી દિધો, સુરતીઓ હોય જ બૂઠા પાછાં જવાબ આપવામાં તો જરાયે પાછાં ના પડે ને, "પન ટમારાઠી હારા! પાટણીઆઓ ટો...બેય જણાં વચ્ચે અડધી ચા મંગાવે ને પૂછે કે વઢારે ટો નઠીને? હાવ કંજૂસિયા...બસ વાટ પૂરી!"
ફેમિલી પછી બિજું ગ્રુપ હોય શેરી કે સોસાયટીમાં રહેતાં મિત્રોનું. આ ગ્રુપમાં રહેવાનો એટલો ફાયદો ખરી કે તમે બહારગામ રહેતા હોય તો તમારાં શેરી-સોસાયટીની અપડેટ મળતી રહે, કે દિવાળીમાં કોણે કેટલાંનાં ઘર સળગાંવ્યાં ને નવરાત્રી માં કોણ કોણે લાઇન મારતું હતું ને ઉતરાયણમાં કોણે કેટલાં કાંપ્યાં ને લુંટ્યાંને, હોળીમાં કોણે-કેટલો કલર કર્યો.
ત્રીજું ગ્રુપ, જોડે ભણતાં મિત્રોનું એમાંય ચાર-પાંચ ગ્રુપ બનશે. શરૂઆતમાં તો એક જ ગ્રુપ હોય પણ પછી અંદર મેમ્બરો એમનો અવાજ ઉઠાવે કે ફાલતુ મેસેજ ના કરો અમને ભણવામાં ડિસ્ટર્બ થાય છે અવાજ બુલંદ થાય એટલે એડમિન ને પગલાં ભરવાં પડે, વધારે અવાજ કરતાંને ગ્રુપ માંથી રિમુવ કરી દે. ગ્રુપમાંથી કાઢી મુકાયેલાં લોકો પોતાનું ધિંગામસ્તી નું અલગ ગ્રુપ બનાવે અને નવાં ગ્રુપમાં પાછાં એટલાં મેસેજ ના કરે, આ ગ્રુપ સિવાય પણ બિજાં ફકત છોકરાંઓનાં અને ફકત છોકરીઓનાં ગ્રુપ તો ખરી જ અને ગ્રુપમાં સૌથી વધું ગરમાગરમી ત્યારે હોય જ્યારે કોઇનો બર્થ ડે હોય, વિસર્સ ના મેસેજ તો હોય જ ઉપરાંત જેનો બથઁ-ડે હોય એનાં ઠેન્કયુ ના મેસેજ અને આજકાલ તો પેલાં લોકલ મેસેજ જેવું કયાં છે જેમાં ખાલી હેપ્પી બથઁ-ડે થી કામ ચાલતું અહીંયા તો મફત ની સ્માઈલીઓ મળે છે એટલે જોડે કેક,ઝરી,દિલ,ચોકલેટ વગેરે તો મોકલવું જ રહ્યું.
અને અંતે વાત એડમિન મિત્રોની કે જેમની વ્હોટસએપ પર અવારનવાર ઉડતી રહે છે, તે લોકો ખુરશીના ભુખ્યાં પોલીટિકસ નેતા જેવાં છે, સંગીત-ખુરશીમાં કયારેય ખુરશી મળી ન હોય એટલે વ્હોટસએપ પર એડમિન ની ખુરશી કયારેય નહિ છોડે અને હવે તો વ્હોટસએપની નવી અપડેટ એવી છે કે એક ખુરશી પર એક થી વધારે લોકો બેસી શકે મતલબ ખુરશીને બદલે સોફાની સેવા પૂરી પાડે છે.અને આમે સત્તા વગર ની ખુરશીમાં એક બેસે કે હજાર બેસે કોણે વાંધો હોય?