જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,
લોહીના બુંદેબુંદમાં મારી માઁનું ઉધાર નીકળે.
તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,
ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.
તારા આ કાળિયાને એવો શણગારતી,
જાણે સજીને સાજ આખી સરકાર નીકળે.
પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,
એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.
મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મેં,
મારી માવલડીના સપના સાકાર નીકળે.
દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,
તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.
સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,
તોય મારી માવડી મારી લેણદાર નીકળે...
અજ્ઞાત