માતૃ દેવો ભવ:
ઈશ્વર ની ઉત્તમ સર્જનાત્મક કૃતિ એટલે માઁ. એક સ્ત્રીની જીવનયાત્રામાં માઁ બનવાનો પડાવ એના જીવનમાં પૂર્ણતા તરફ લઈ જાય છે. જયારે એક બાળક જન્મે છે તેની સાથે એક માઁ અને બાપ નો પણ નવો જન્મ થાય છે.ભગવાન ને માઁ ની પ્રકૃતિ કદાચ એટલે જ સ્ટ્રેચેબલ બનાવેલી હશે,પીડાનો પર્યાય બનેલા સમયમાં હસતાં હસતાં એક નવો જીવ જન્મવાની તાકાત એટલે માઁ. ઈશ્વર ની અદ્ભૂત રચના એટલે માઁ. એક સ્ત્રી જયારે માઁ બનવાનો નિર્ણય સાથે ત્યાગ,પીડા,સમર્પણ ની સાથે હોર્મોન્સમાં થતાં ફેરફાર ને કેટલુંએ કંઈક સહન કરે.....કદાચ પીડાને પેલે પાર જઈને જ કોઈ સર્જન શક્ય હશે,એ પછી ભલે પ્રકૃતિનું હોય કે જીવ માત્રનું.
સાચો પ્રેમનું ઉત્તમ ઉદાહરણ એટલે માઁ.ખરાં અર્થે માઁ-બાપ ને આપણે ત્યારે જ સમજી શકીએ જયારે આપણે એ બનીએ.હું જયારે માઁ બની ત્યારે મારા મમ્મીને સારી રીતે સમજી શકી.એક સાચી ને સારી માં બનવા માટે બાળકનું યોગ્ય ઘડતર કરવું એક જવાબદારી ભરેલું કાર્ય છે.કુંભાર એક માટલું ઘડીને જે ધ્યાન થી ટીપે એના થી પણ અઘરું..હા એના થી પણ અઘરું કારણકે તમારું એ બાળક પરિવાર,સમાજ અને રાષ્ટ્ર ની ભાવિ પેઢી છે એને કોઈ શિલ્પીની માફક સુંદર આકાર આપવા પોતે પણ અનુસાશિત થવું પડે.આજની અપડેટ પેઢી તો કહેશું એમ નહિ કરીશું એમ કરશે.જીવન સારી રીતે જીવી શકાય એવા સઁસ્કાર આપી,જીવનના આદર્શો, નિયમો સાથે જીવનના દરેક પડાવે મારો હાથ ઝાલી ને આગળ વધારનાર માઁ માટે લખું તો શબ્દો ને સહી પણ ખૂટે.
સંતાન ની સાથે માઁ થી મિત્ર બનવાની સફરનો આનંદ કંઇક અનેરો હોય છે.પીડાઓની પેલે પાર જઇ ને મને જન્મ આપનાર મારી જન્મદાત્રીની આજીવન હું ઋણી છું. આપનું જીવન સ્વસ્થ રહે અને આપના પ્રેમ રૂપી આશીર્વાદ હમેશાં મારી સાથે રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.
આજે માતૃદિવશે મારી માઁ અને જગતની દરેક માતાને વંદન.માઁ અને માતૃત્વ અણમોલ ભેટ.
લેખન : બીના બલભદ્ર