શું હતો, શું થઈ ગયો
આડંબર છૂ થઈ ગયો
ઝબકીને જાત જોઈ તો
હું જાતને જડતો ગયો..
ખોટી બધી એ ભાંજગડ
ખોટા પ્રપંચ કરતો રહ્યો
જીવવાનો ઢોંગ જયાં જયાં કર્યો
ત્યાં ત્યાં સતત મરતો ગયો
આ જોઈએ, તો જોઈએ
અટકું નહીં, મટકું નહીં
હું સેઠ ઈચ્છારામના
હફ્તા સતત ભરતો ગયો
જો ‘હું’ નહીં, કુછ ભી નહીં
સાદું ગણિત સમજ્યો નહીં
કાંઈ પામવાની લ્હાયમાં
હું ખુદને વીસરતો ગયો
કયાં છે ખુદા હું પૂછતો
મૂર્તિની ધૂળ લૂછતો
એની હયાતી છે નહીં
એ કેફમાં તરતો ગયો
એ સાબિતીઓ આપવા
આવ્યો નહીં હજરાહજૂર
બસ એક પડખું ફેરવી
ઘડિયાળ ફેરવતો ગયો
જાણે સમય અટકી ગયો
ભીતરથી ‘હું’ બટકી ગયો
એક વાયરસ આ વિશ્વના
શીડ્યુલ ખોરવાતો ગયો
હું વ્યસ્તતાના વેશમાં
બહુરુપિયો થઈ ગ્યો હતો
ઝબકીને જાત જોઈ તો
ખુદને જ હું મળતો ગયો
રંગો બધા ઉતરી ગયા
સંબધ સૌ સુધરી ગયા
ઝબકીને જ્યોત જોઈ તો
હું જાતને જડતો ગયો..
- ધ્વનિત