# બાળપણ
કેટલો ઉમંગ હતો હવે યૌવન મળી જશે.
શું ખબર !
એ કાતિલ આવી *બાળપણ* ભરખી જશે.
પોતાની કાર અને બંગલો તો મળી જશે.
શું ખબર !
એથી મારું રમકડાનું રજવાડું બળી જશે.
હરખાતો કે હાથમાં પ્રિયતમાનો હાથ હશે.
શું ખબર !
ત્યારે માત - તાતનો પ્રેમાળ સાથ હશે ?
શાળા અને પુસ્તકોથી હાશ છુટકારો થશે.
શું ખબર !
માસ્તરનું મા-સ્તરપણુ હવેથી છૂટી જશે.
ડરતો નિત ઉકેલી શકીશ પરીક્ષાના પ્રશ્નાર્થ ?
શું ખબર !
એ લાગે સરળ જ્યારે મળે ભાવિના પ્રશ્નાર્થ.
બાળપણને વેચી પામ્યો હું યૌવનનો હોદ્દો
શું ખબર !
ભોળપણમાં કરી બેઠો નુક્શાનીનો સોદો.
-હિરેન નથવાણી