હું ધરતી પર રહું છું,
પણ આકાશ જોડે મને પ્રીત છે.
દિવસમાં કેટલીય વાર
બારીમાંથી,ઓટલા પરથી, છજામાંથી
અને વળી અગાસીએથી પણ
એની તરફ ભાળી લઉં છું.
અને શું કહેવું!
એ પણ મને સંદેશા મોકલે છે હોં!
કયારેક,વાદળ થઇને આંખોની મુલાકાતે આવે છે,
તપતો સૂરજ, તો વળી કયારેક ઠંડા પવનની લહેરખી બની સ્પર્શી જાય. રાત્રે તો એ ટમકતા તારા ભર્યો ઓછાડ ઓઢાડી જાય. ચાંદનીને તો એ મારા પર ઓળઘોળ કરે. નિત નવા વેશે એ મને મળી જ જાય કેમ કે
તમને શું કહું ! આ તો જાણે સાગરને થઈ
ટીપાંની પ્રીત છે.
(આકાશ, ધરતી,સાગર પર્વતમાળાઓ જેવા વિરાટ અસ્તિત્વને પ્રેમ કરવાની ક્ષમતા ભલે નજીવી હોય પણ છે તો માણસ પાસે જ)