અનમોલ પુત્રી રત્ન
આજે ફરી ઊંઘમાંથી અચાનક ઝબકીને જાગી ગઈ. આ પહેલીવાર નથી, મારી દરેક રાત આમ જ જાય છે. ફરીથી એ જ સ્વપ્ન અને ફરીથી એ જ ગ્લાનિભાવ. ૩૦ વર્ષ થઇ ગયા છે એ વાતને છતાં હું એ વાત નથી ભૂલી શકતી કે નથી પોતાને માફ કરી શકતી.
હજીતો સવારમાં ઉઠીને કિચનમાં ચા બનાવતી હતી એટલામાં મમ્મી, મમ્મીનો સાદ સંભળાયો. આ મમ્મી મમ્મી નો સાદ તો હું વર્ષોથી સાંભળતી હતી પણ આજે આ સાદથી અલગ જ પ્રકારની ખુશી મળી રહી હતી.
મારો દીકરો તો રોજ મને આમ જ બોલાવે છે. આજે મારી વહુ, મારી દીકરી એ મને આ રીતે બોલાવી મારા મનને ટાઢક આપી.
અમન હજી સુઈ રહ્યો હતો એટલે હું અમે રોશની સાથે નાસ્તો કરવા બેઠા. રોશની જેવી દીકરી પામીને મને બહું ખુશી થઈ રહી હતી એટલે મારું દુઃખ થોડું ઓછું થશે એવી આશા છે.
એ દિવસ મને હજીએ યાદ છે જ્યારે મને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. કેટકેટલું કહ્યું, કેટલી ના પાડી છતાંય મારા સાસુ નહોતા માન્યા અને મારા ગર્ભમાં બાળકી છે ખબર પડતા જ મને ગર્ભપાત માટે લઇ ગયા હતા.
એ દિવસે હું મારી બાળકીને નહોતી બચાવી શકી પણ આજે રોશનીને મેળવીને મારી એ ગ્લાનિ ભાવથી છુટકારો મળશે અને હવે કદાચ એ સપનાઓથી પણ.
મમ્મી, ક્યાં ખોવાઈ ગયા? મને વિચારોમાં ખોવાયેલ જોઈ રોશની એ પૂછ્યું. ત્યારે અનાયાસે જ મારાથી કહેવાઇ ગયું "કંઈ નહિ બેટા, બસ તારા વિશે જ વિચાર કરતી હતી."
આમને આમ ક્યાંય સુધી અમે બંને વાતો કરતા રહ્યા, અચાનક મારી નજર ધડિયાળ પર પડી જોયું તો ૯:૦૦ વાગ્યા હતા એટલે રોશની અમનને જગાડવા ગઈ અને હું મારા કામે લાગી.
આજની સવાર મારા જીવનમાં એક નવી સવાર લઈને આવી છે. દીકરો તો મારી પાસે હતો જ આજે મને દીકરી પણ મળી ગઈ.
- કિંજલ પટેલ (કિરા)